પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, અમરેલીની વિદ્યાર્થિનીઓએ જૂનાગઢ ખાતે યોજાયેલી આંતર પોલીટેકનીક રમતગમત તથા સાહિત્યિક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થાની ૩૪ વિદ્યાર્થિનીઓએ કુલ સાતમાંથી છ સ્પર્ધાઓમાં વિજયી સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જેમાં ત્રણ મુખ્ય રમતોમાં તેઓ ચેમ્પિયન બની હતી.વિદ્યાર્થિનીઓએ વોલીબોલ, બેડમિન્ટન અને ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી, જ્યારે નિબંધ લેખન, ખો-ખો અને ડિબેટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાનાં આચાર્ય ડા. મીનાક્ષી કે. બારીયાનું માર્ગદર્શન રહ્યું હતું તેમજ જિમખાના ચેરમેન ડા. પૂજા વી. મહેતા અને રોજીના મહેસાનિયાએ સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ આચાર્ય અને માર્ગદર્શકોએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.