નવરાત્રિ પર્વ દરમિયાન અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ જળવાઈ રહે, ગરબા રમવા આવતા ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ૧૧થી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને શહેરમાં અંદાજે ૧૪ હજાર પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ સમગ્ર વ્યવસ્થા આશરે ૫૦૦ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નેતૃત્વ હેઠળ સંચાલિત થશે. શહેરમાં અત્યાર સુધીમાં ૮૪ જેટલા કોમર્શિયલ ગરબાના આયોજન માટે એનઓસીની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે આશરે ૧૩૦૦ સ્થળોએ શેરી ગરબાનું આયોજન થાય છે. ફાયર, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ઈલેક્ટ્રીકલ સહિતની જરૂરી એનઓસી મળતાં જ પરવાનગી આપવામાં આવશે અને ૧૦ ઓક્ટોબર સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન ગરબાનાં સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને એઆઈ આધારિત કેમેરાની મદદ લેવામાં આવશે. એઆઈ કેમેરા દ્વારા સ્થળ પર આવતા લોકોની સંખ્યા પર નજર રાખવામાં આવશે, જેથી નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકો એકત્ર ન થાય અને નાસભાગ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય. શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમમાં આશરે ૪૦૦૦ કેમેરાની વ્યવસ્થા સાથે જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ પીટીઝેડ કેમેરા પણ ગોઠવવામાં આવશે. પાર્ટી પ્લોટ, ગરબાનાં સ્થળો અને લોકોની અવરજવર વધુ રહેતા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે. આયોજકોને ખાનગી સુરક્ષાકર્મીઓ રાખવા તેમજ સ્થાનિક પોલીસ સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં શહેરમાં ૪૯શી ટીમ કાર્યરત રહેશે. આ ટીમમાં આશરે ૩૦૦ મહિલા પોલીસકર્મીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. કેટલીક ટીમ યુનિફોર્મમાં, જ્યારે કેટલીક ટીમ પરંપરાગત પોશાકમાં ગરબાનાં સ્થળોએ રાઉન્ડ લગાવશે. છેડતી સહિતની અણછાજતી પ્રવૃત્તિઓ અટકાવવા અને જરૂરિયાતના સમયે મહિલાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે શી ટીમ દ્વારા ગરબા આયોજકો, ખેલૈયાઓ અને ગરબા ક્લાસીસ સાથે સતત સંવાદ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, મહિલાઓને કોઈ મુશ્કેલી પડે તો તેઓ ૧૮૧ અભયમ હેલ્પલાઇન અથવા ૧૧૨ ઇમરજન્સી નંબર પર સંપર્ક કરી શકે છે.









































