અંતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વાટ્સઍપ એમ ત્રણેય મળીને જે કંપની બને છે તે ‘મેટા’ના સ્વામી માર્ક ઝુકરબર્ગે વડા પ્રધાન મોદીના સીજેપી આંદોલન વખતે વિડિયો પાંચ કલાક દબાવી દેવા માટે ક્ષમા માગી.
સીજેપી આંદોલનમાં હિંસા થઈ તે પછી વડા પ્રધાન મોદીએ નક્કી કર્યું કે તેઓ સીધા જ યુવાનો સાથે સંવાદ કરશે. અને ૨૩ જુલાઈએ રાત્રે બાર વાગે (આમ જુઓ તો ૨૨મીની રાત્રે) તેમણે પોતે જ પોતાનો વિડિયો રેકાર્ડ કરીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો. ફેસબુક પર પણ તે વિડિયો મૂકાયો હતો પરંતુ ફેસબુકમાં બેઠેલા ભારત વિરોધી ત¥વોએ ૨૮ જુલાઈએ આ વિડિયો ડિલીટ કરી નાખ્યો. અને સવારે પાંચ વાગે પુનઃસ્થાપિત કર્યો.
કોઈ કહી શકે કે આમાં શું ખાટું-મોળું થઈ ગયું? વિડિયો તો પાછો આવી ગયો ને? ના. આમાં તો બહુ ગડબડ થઈ જાય. કારણકે સાશિયલ મીડિયામાં મહ¥વનું હોય છે તમે કયા સમયે વિડિયો મૂકો છો. કયા સમયે તમારો વિડિયો વધુ જોવાશે. જેન-ઝીના લોકો નિશાચર હોય છે. રાત્રે જ તેમની સવાર પડે. મોડી રાત સુધી અને ઘણી વાર તો સવાર-સવાર સુધી સ્ક્રાલિંગ ચાલ્યા જ કરે. વડા પ્રધાન મોદીએ આ વાતને ધ્યાનમાં રાખીને જ રાત્રે બાર વાગે વિડિયો અપલાડ કર્યો હતો. મોદીજીને ક્યારે કયો કાર્યક્રમ કરવો તેની બરાબર સમજ છે. મહ¥વની જાહેરાત (નાટબંધી સ્મરણમાં છે ને?) રાત્રે આઠ વાગે કરવાની. કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત સવારે નવ વાગે કરવાની. વિદેશમાં ભારતીય સમુદાયને સંબોધવાની વાત જેવો કાર્યક્રમ પણ શક્ય હોય ત્યાં સુધી ભારતમાં રાતના આઠથી રાતના બાર વાગ્યા સુધીમાં ગોઠવવાનો જેથી તેને ભારતના લોકો પણ જોઈ શકે.
અને એટલે મોદીજીના વિડિયોને આખી રાત દબાવી રાખો, અને વહેલી સવારે પાંચ વાગે રિલીઝ કરી દો, તેનો અર્થ તે દિવસ ખાલી ગયો. મોદીજીને જેન-ઝીને જે સંદેશો આપવો હતો તે આપી ન શક્યા. એ વાત અલગ છે કે લોકોએ સ્વયંભૂ કાં, તેને ડાઉનલાડ કરીને વાટ્સઍપથી લઈને અલગ-અલગ માધ્યમોમાં તેને ફેરવ્યો. પરંતુ એક દેશના વડા પ્રધાનના વિડિયો પર સેન્સરશિપ લાદવાનું કામ, કામ નહીં, ખરેખર તો દુસ્સાહસ મેટાના માર્ક ઝુકરબર્ગે કર્યું તે ગંભીર બાબત છે.
છેલ્લાં કેટલાંક વર્ષોનો ઇતિહાસ બતાવે છે કે મેટા, ન માત્ર ભારત વિરોધી પરંતુ સભ્યતા વિરોધી બનતી ગઈ. અમેરિકામાં ૨૦૧૬માં પ્રમુખપદની થયેલી ચૂંટણીમાં એવા આક્ષેપો ફેસબુક પર લાગ્યા હતા કે તેણે ફેસબુકના ઉપભોક્તાઓનો ડેટા રાજકીય કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સાથે મળીને આપી દીધો અને રશિયાથી જે અમેરિકાની ચૂંટણી સંદર્ભે દુષ્પ્રચાર ચલાવાયો તેને રોકવા કંઈ કર્યું નહીં.
ભારતમાં પણ ફેસબુકે નરેન્દ્ર મોદીને ૨૦૧૯ની ચૂંટણીમાં હરાવવા માટે કેમ્બ્રિજ એનાલિટિકાને સાથ આપ્યો હતો. આ વખતે કેમ્બ્રિજ એનાલિટિકાનો ગ્રાહક હતી કાંગ્રેસ. ભારતનો બીજા ક્રમનો મુખ્ય રાજકીય પક્ષ ! માર્ચ ૨૦૧૮માં કેમ્બ્રિજ એનાલિટિકા સામે રહસ્યોદ્ઘાટિત કરનાર ક્રિસ્ટોફર વાઇલીએ યુકેની સંસદ સમક્ષ નિવેદન કરતા કહ્યું હતું કે “તેમણે (કેમ્બ્રિજ એનાલિટિકા)એ ભારતમાં સઘન કામ કર્યું. તેમનું ભારતમાં કાર્યાલય હતું. હું માનું છું કે તેમની ગ્રાહક કાંગ્રેસ હતી.” વાઇલી કેમ્બ્રિજ એનાલિટિકામાં ડેટા એનાલિટિક્સ નિષ્ણાત તરીકે કામ કરતો હતો. એટલે કે તે ઇનસાઇડર હતો.
૨૦૧૮માં સ્થાનિક બાળકોની ચોક્કસ વિગતો સાથે બાળકોને ઉઠાવી જતી ગેંગ વિશે ઉપજાવી કાઢેલા સંદેશાઓ વાટ્સઍપ પર ફરતા કરવામાં આવ્યા. ટોળાંઓ બાળક ચોરની શંકાએ લોકોને મારી નાખવા લાગ્યાં. અંદાજે ચોવીસેક લોકો તેનો ભોગ બન્યા જેમાં પાલઘરના નિર્દોષ સાધુઓ પણ હતા.
તે સમયે મોદી સરકારે ચેતવણી આપી હતી કે વાટ્સઍપ તેના માટે કડક પગલાં લે. તે સમયે વાટ્સઍપમાં કોઈ પણ સંદેશને ગમે તેટલા લોકોને અને ગમે તેટલા ગ્રૂપોમાં મોકલી શકાતા હતા, પરંતુ સરકારની ચેતવણી પછી વાટ્સઍપે તેની સંખ્યા પાંચ કરી નાખી. પહેલાં સંદેશા પોતે મોકલે તોય નીચે ઘણા લખી નાખતા Fwd As Rcvd. જેમ મળ્યો તેમ જ ફારવર્ડ કર્યો. લોકો માની લેતા કે ખરેખર આ ફારવર્ડ કરાયેલો મેસેજ છે. પરંતુ ૨૦૧૮થી વાટ્સઍપે પોતે જે સંદેશ ખરેખર ફારવર્ડ કરાયો હોય તેના પર Frowarded લખવાનું શરૂ કર્યું. જોકે સરકારે માગેલું કે વાટ્સઍપ કંપની બાળ ચોરીની અફવા કોણે શરૂ કરી તેની માહિતી આપે, તે તો વાટ્સઍપે (એટલે કે મેટાએ) આપી જ નહીં.
૨૦૧૯-૨૦માં એન્ક્રિપ્ટેડ મેસેજ ટ્રેસ કરવા માટેની માગણી વધી. સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાશિયલ મીડિયાની જવાબદેહી પર ભાર મૂક્યો અને ૨૦૨૧માં માહિતી ટૅક્નાલાજીના નિયમો ઘડ્યા. તે પછી મેટાને સ્થાનિક અનુપાલન અધિકારીઓ નિમવા પડ્યા અને ફરિયાદ નિવારણ પ્રણાલિ ગોઠવવી પડી. દર મહિને પારદર્શિતા અંગે અહેવાલો બહાર પાડવા પડ્યા. ૨૦૨૬ની શરૂઆતમાં, સરકારે તેને યોગ્ય ન લાગે તેવા વિડિયો અગાઉ ૩૬ કલાકની અવધિ હતી તેને ઘટાડીને ત્રણ કલાક કરતાં, ત્રણ કલાકની અંદર વિડિયો ડાઉન કરી દેવાનો નિયમ બનાવ્યો.
પરંતુ તમે જુઓ કે, ફેસબુકે પોતે ભારત જેવા વિશ્વમાં જેની એક સારી શાખ છે, જી-સાત દેશોમાં જેને બોલાવાય છે, જી-૨૦નું જે અધ્યક્ષ બને છે, યુક્રેઇન-રશિયા હોય કે ઇઝરાયેલ-હમાસ, અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુધ્ધ આ બધામાં જેને મધ્યસ્થી બનવા કહેવાય છે તેવા દેશ અને તેના વૈશ્વિક રીતે લોકપ્રિય વડા- નરેન્દ્ર મોદીનો વિડિયો જ હટાવી દીધો !
પહેલાં તો મેટાએ એટલે કે ઝુકરબર્ગે ૨૮ જુલાઈએ ખૂબ ઠંડકથી કહી દીધું કે એ તો ભૂલથી થઈ ગયું. બદાયૂંના બળાત્કારી છોકરાઓના બચાવમાં મુલાયમસિંહે જેમ કહ્યું હતું, “લડકોં સે ગલતી હો જાતી હૈ”. પરંતુ મેટાએ એ વાત સિફતપૂર્વક ટાળી દીધી કે વિડિયોમાં “લિગલ રિક્વેસ્ટ” નાટિસ લખેલી હતી. એટલે કે ‘ક’ નામની કોઈ વ્યક્તિએ ‘ખ’ નામની વિરુધ્ધ ખોટો વિડિયો બનાવ્યો હોય અને ‘ખ’એ ફેસબુકને કાયદેસર વિનંતી કરી હોય કે મારી વિરુધ્ધનો આ વિડિયો હટાવી દો, તેવી વાત થઈ. પરંતુ વડા પ્રધાન મોદીના એ વિડિયોમાં કોઈને તકલીફ પડે તેમ હતું તો તે સીજેપી અને રાહુલ ગાંધી-અખિલેશ યાદવ આણિ મંડળીને હતું કારણકે મોદીજીએ તો તેમાં નીટ ‘ગેસ પેપર લીક’ અંગે કડક પગલાં લેવાની વાત સિવાય કોઈ રાજકીય કે બીજી કોઈ વાત નહોતી કરી. તો પછી કોઈ કાયદેસર વિનંતી શા માટે કરે? સીજેપી કે કાંગ્રેસ-સપાની અથવા ડાબેરી ઇકા સિસ્ટમે લિગલ રિક્વેસ્ટ કરી હોય તો પણ ફેસબુકે તેનો આધાર તો જોવો જોઈએ ને. જોકે ફેસબુકે ચોખવટ કરી નથી કે તેને કોઈએ લિગલ રિક્વેસ્ટ કરી હતી કે કે કેમ.
એ પછી સંસદીય સમિતિએ ઝુકરબર્ગની ધૂળ કાઢી નાખતાં ચાર આૅગસ્ટે કહ્યું કે આમ, ટૅક્નિકલ કે અન્ય કોઈ ભૂલથી આ વિડિયો હટાવી લેવાયો છે, તેમ કહી છટકી જાવ તે ન ચાલે. માર્ક ઝુકરબર્ગે પોતે ક્ષમા માગવી પડશે. જો તેમ નહીં કરો તો ફેસબુકને આઈટી કાયદાની કલમ ૭૯ હેઠળ જે સેફ હાર્બર ઇમ્યૂનિટી મળેલી છે તે અમે ઉઠાવી લઈશું. સેફ હાર્બર ઇમ્યૂનિટી એટલે ફેસબુક-ઇન્સ્ટા કે વાટ્સઍપ પર કોઈ દુષ્ટ વ્યક્તિ ગમે તેમ લખી નાખે, વિડિયો બનાવે, એઆઈ જનરેટેડ વિડિયો બનાવે તો તેઓ ઉત્તરદાયી ન ઠરે. તેમની સામે કેસ ન થઈ શકે.
જો આ રક્ષણ હટાવી લેવામાં આવે તો તો ફેસબુક, ઇન્સ્ટા અને વાટ્સઍપ સામે કેસોની ભરમાર થઈ જાય. ભરમાર થાય એટલે કાર્ટના ધક્કા ચાલુ થઈ જાય. અધિવક્તાઓના ખર્ચા કાઢવા પડે. ફેસબુક, ઇન્સ્ટા અને વાટ્સઍપના કેસ લડવા વકીલો કંઈ સસ્તામાં તો તૈયાર ન જ થાય. એ ઉપરાંત, ભવિષ્યમાં આવું ન થાય તે માટે એક ટીમ રોકવી પડે તે અલગ. અને આવી સામગ્રી ઘટી જાય તો આ ત્રણેય મંચો પર લોકોની આવનજાવન, લોકોનો સમય બધું જ ઘટી જાય.
એટલે પાંચ આૅગસ્ટે મેટાના ચીફ ગ્લાબલ અફૅર્સ આૅફિસર જોએલ કપ્લાન અને પબ્લિક પાલિસીના વાઇસ પ્રેસિડેન્ટ નેઇલ પાટ્સ મારતે વિમાને દિલ્લી આવ્યા અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને અને આઈટી સચિવ એસ. ક્રિષ્નનને મળ્યા. માર્ક ઝુકરબર્ગે પોતે લેખિતમાં ક્ષમા માગી. ક્ષમા માત્ર વડા પ્રધાન મોદીના વિડિયો સંદર્ભે નથી માગી. ચાઇલ્ડ પાર્ન જેને અંગ્રેજમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (સીએસએએમ) કહે છે, તે, ડીપફૅક (એટલે કે એઆઈ જનરેટેડ ખોટા વિડિયો) અને કંપનીના સંચાલનમાં જે ઉણપો રહેલી છે તે બાબતે પણ ક્ષમા માગી છે. તેણે કહ્યું છે કે સીજેપીના આંદોલન અંગેની સામગ્રી પૈસા લઈ પ્રમાટ કરી હતી. આના માટે વિશાળ રકમ ખર્ચવામાં આવી હતી.
એટલે આ મુદ્દાને માત્ર વડા પ્રધાન મોદીનો વિડિયો દબાવી દેવાથી ઉઠેલા પ્રશ્નો પૂરતો કે મેટાની અવળચંડાઈ પૂરતો સીમિત કરી ન દેશો. આ મુદ્દો પહેલી વાર આ કાલમમાં આપણે નથી ઉઠાવી રહ્યા. સાશિયલ મીડિયા અને ગૂગલ જેવા અનેક પ્લેટફાર્મ ધરાવતી કંપની શૈતાન બની ચૂક્યા છે. (રાક્ષસ તો હજુય સારા હોય.) તેઓ વિશ્વની સભ્યતા માટે ભયજનક છે.
અમેરિકાની પોતાની વેબસાઇટ wired.com (ભારતની ડાબેરી વેબસાઇટ wire જુદી) પર એક અહેવાલ છે, તે વાંચો. આ અહેવાલ પાંચ આૅગસ્ટ ૨૦૨૬નો છે. તે લખે છેઃ
“છેલ્લા નવ મહિનાથી માર્ક ઝુકરબર્ગની મેટાએ ડઝનેક એવી પેઇડ જાહેરખબરો ચલાવી છે જે ખૂબ જ ગંદી- એઆઈ જનરેટેડ બાળ પાર્ન સામગ્રી ધરાવતી હતી. આ જાહેરખબરો હજારો ખાતાંઓ સુધી પહોંચી. તેનો ટાર્ગેટ અમેરિકા, યૂકે, અને બીજા ડઝનેક યુરોપીય દેશો હતા.” વાયર્ડ અમેરિકાની વેબસાઇટ છે એટલે તેણે ધોળિયા દેશોનાં જ નામો લીધાં છે, પરંતુ તેનું લક્ષ્ય ભારત પણ હતું જ. બીબીસીએ ૩ જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર સીએએસએમની ઍડ ભારતમાં ચલાવાઈ હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો.
પરંતુ અગાઉ કહ્યા પ્રમાણે, આ મેટાની જ વાત નથી. સ્નેપચેટ, ટિન્ડર, તાજેતરમાં સીજેપીના આંદોલનમાં જે ઍપનો ઉપયોગ થયો તે બિટચેટ, અને સૌથી વધુ તો ગૂગલની પણ વાત છે. ગૂગલની પોતાની અનેક ઍપ છે. ગૂગલ, જીમેઇલ, મીટ, ડાક્સ, મેપ, જીડ્રાઇવપ આ બધામાં સૌથી વધુ ચિંતાજનક તો એ છે કે સ્માર્ટફાન આવ્યા ત્યારથી તમારે સ્માર્ટ ફાનમાં લાગ ઇન થવા જીમેઇલ સાથે તેને જોડવું જ પડે.
આજે અનેક ઍપ અને વેબસાઇટ છે જેમાં તમારે સાઇન ઇન કરવા કાં તો તેને જીમેઇલ સાથે અથવા ફેસબુક સાથે જોડવું ફરજિયાત છે. વિવોથી માંડીને રેડમી, શાઓમી, આૅપ્પો જેવા ચાઇનીઝ ફાનમાં તો એસએમએસની ઍપ અને ફાઇલ મેનેજરની ઍપ પણ ગૂગલની છે. અને તેમાંય જેમિની એઆઈ જોડાયેલું છે. ગૂગલ સર્ચમાં તમને એકલી ડાબેરી તરફી સામગ્રી જ જોવા મળે છે. સમાચારમાં ડાબેરી ન્યૂઝ વેબસાઇટો જ બતાવે છે. ફાકસ ન્યૂઝથી લઈને ભારતનાં નાનાં છાપાં, નાનાં સાપ્તાહિકો, નવાં ડિજિટલ પાર્ટલ, આૅપ ઇણ્ડિયા, ટીએફઆઈ પાસ્ટ, પાંચજન્ય, આૅર્ગેનાઇઝર, સાધના સાપ્તાહિક જેવાં રાષ્ટ્રવાદી માધ્યમો તે દેખાડતું નથી. તમને તેમાં જિહાદ અંગે કે એલજીબીટીક્યૂ દ્વારા ફેલાવાતા ત્રાસ અંગે કોઈ સામગ્રી નહીં મળે. તેનું જેમિની એઆઈ પણ એ જ રીતે ડિઝાઇન કરાયેલું છે.
આ બધામાં શિરમોર છે- ગૂગલ ઍક્ટિવિટી. તે તમે આૅનલાઇન જે પણ કરો છો તેનો ઇતિહાસ રાખે છે. તમે ગૂગલ (સર્ચ એન્જિન)માં શું શોધ્યું, યુટ્યૂબમાં શું શોધ્યું, મેપમાં તમે શું શોધ્યું, તમે ક્યાં ગયા, કયા વિડિયો કેટલો સમય જોયા, સંગીતમાં શું સાંભળ્યુંપઆ બધી માહિતી રાખે છે. એટલું જ નહીં, તેનું આલ્ગારિધમ એટલું સાલિડ છે કે યુટ્યૂબમાં તમે અમુક સમયથી વધુ જુઓ તો વિડિયો અટકી જશે અને પૂછશે કે તમે હજુ પણ જુઓ છો? ફેસબુક રીલ કે યુટ્યૂબના વિડિયોમાં તમે જોતા-જોતા અટકી ગયા અને પાછા તેમાં ગયા તો તમને પૂછશે કે શરૂથી જોવો છે કે જ્યાં અટક્યા હતા ત્યાંથી? આ બધું કેવી રીતે શક્ય છે?
આ પ્લેટફાર્મ માત્ર તમે આૅનલાઇન ટાઇપ કરો છો કે બોલીને સર્ચ કરો છો તેની જ નોંધ નથી લેતા, પરંતુ તમે ફાનમાં વાત કરો, તમે અંદરોઅંદર ફિઝિકલી વાત કરો તો તે પણ તે સાંભળે છે કારણકે તમે તેને આટલી પરવાનગી આપેલી છે- કાન્ટેક્ટ ઍક્સેસ કરવાની, તમારા કાલ મેનેજ કરવાની, તમારા એસએમએસ વાંચવાની અને વેરિફાય કરવાની અને તમારી ફાઇલો જેમાં પીડીએફથી માંડીને ફોટા તેમજ વિડિયો છે. એટલે તમે અંદરોઅંદર કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હો તો તમને થોડી જ વારમાં જ્યારે તમે ફેસબુક ખોલો તો તે વ્યક્તિને ફ્રેન્ડ તરીકે ઉમેરો તેવું સૂચન તે મોકલી દેશે. તમે એમેઝાનમાં કંઈ શોધ્યું હોય તો તે પ્રાડક્ટની બીજી કંપનીઓની જાહેરખબર તમને ફેસબુક કે ગૂગલમાં દેખાવા લાગશે. આનો અર્થ એ થયો કે આ કંપનીઓ એકબીજામાં શું શોધાય છે તેની જાણકારી રાખે છે અથવા ઇન્ટરલિંક્ડ છે.
આ બધાના કારણે ઉપભોક્તાની કોઈ પ્રાઇવસી રહેતી નથી. એમાંય એલેક્સા જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તો ઓર ભયજનક છે. સાશિયલ મીડિયાના પ્લેટફાર્મ નવી પેઢીના મોટા વર્ગને બગાડી ચૂક્યા છે, જે આપણે સીજેપીના આંદોલનમાં જોઈ લીધું. અને જૂની પેઢીના ઘણા લોકોને રીલ બનાવવાના ચક્કરમાં બગડી ચૂક્યા છે. અત્યારે બરાબર તક છે. મેટા ફસાયું છે. ત્યારે સરકારે માત્ર મેટા જ નહીં, આ બધા આૅનલાઇન પ્લેટફાર્મને કડક નિયંત્રણો હેઠળ લેવાં જ જોઈએ.












































