ચીન-બાંગ્લાદેશની નિકટતા ભારત માટે મોટો ખતરો બની ગઈ છે. શેખ હસીનાએ બાંગ્લાદેશથી ભાગવું પડ્‌યું ત્યારથી જ બાંગ્લાદેશમાં ભારતનાં હિતોને ફટકો પડવાનું શરૂ થઈ ગયેલું ને હવે બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાન ચીનના ખોળામાં જ બેસી જતાં ભારત માટે મોટી ચિંતા ઉભી થઈ છે. હમણાં તારીક રહેમાન ચીનની યાત્રાએ જઈ આવ્યા. આ યાત્રા દરમિયાન ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સહકારના જે કરાર થયા તેમાં મોટા ભાગની બાબતો ભારતને સ્પર્શતી હોવાથી આ દોસ્તી ભારતને બહુ નડશે એવી આગાહીઓ થવા માંડી છે.
આમ તો હસીનાની વિદાય પથી તરત ચીને બાંગ્લાદેશને પડખામાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધેલા પણ વચગાળાની સરકાર હોવાથી ચીન સાચવી સાચવીને આગળ વધતું હતું કેમ કે હસીનાની પાર્ટીનું પુનરાગમન થઈ જાય તો ચીનના કર્યાકારવ્યા પર પાણી ફરી વળે. ચીને આ સ્થિતી પેદા ના થાય એટલે હસીનાની પાર્ટીને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી જ ના મળે એવો કારસો કરી નાંખ્યો ને પછી બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારત વિરોધી તારીક રહેમાનની પાર્ટી જીતે એવો તખ્તો ગોઠવી દીધો.
રહેમાન વડાપ્રધાન બન્યા પછી ચીને પોતાની યોજનાને ઝડપથી આગળ વધારવા માંડી છે ને તેના ભાગરૂપે બાંગ્લાદેશ સાથે સંરક્ષણ સહયોગનો કરાર કરી નાંખ્યો છે. આ કરાર હેઠળ બાંગ્લાદેશની આર્મીને મળનારાં હથિયારોમાંથી લગભગ ૭૫ ટકા ચીન આપશે. ચીને પાકિસ્તાનને આપ્યાં છે એ જે-૧૦સી બાંગ્લાદેશને આપવા માટે ૨.૨ અબજ ડોલરનો સોદો કર્યો છે. આ સોદા હેઠળ ૨૦૨૭માં ચીનને નવાં ફાઈટર જેટ મળી જશે. જે-૧૦સી ચીનનાં ફોર્થ જનરેશન ફાઈટર જે છે કે જેમાં રડાર, ઍડ્‌વાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ PL-15 ફેંકવાની ક્ષમતા અને સુપરક્રૂઝ સ્પીડ છે.
ચીને બાંગ્લાદેશને વીટી-૫ લાઈટ ટેન્ક્સ પણ આપી છે. વજનમાં હલકી, ઝડપી અને પહાડી વિસ્તારોમાં ભાગી શકે એવી 105mm ગન અને આધુનિક ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથેની આ ટેન્ક એકદમ અસરકારક છે. ચીન બાંગ્લાદેશને મલ્ટી બેરલ રોકેટ લોન્ચર, આર્ટિલરી સિસ્ટમ, સરફેસ-ટુ-એર મિસાઇલો, ડ્રોન અને સબમરીન પણ આપી રહ્યું છે. તેના કારણે બંગાળની ખાડી અને ભારતની પૂર્વીય સરહદે ખતરો વધશે એવું નિષ્ણાતો માને છે. ભવિષ્યમાં બાંગ્લાદેશ આ હથિયારોનો ઉપયોગ ભારત વિરુધ્ધ કરીને મોટી તબાહી વેરી શકે. J-10C જેટ્‌સ ભારતીય વાયુસેનાના રાફેલ, Su-30MKI અને તેજસ સામે બહુ મનાય છે.
બાંગ્લાદેશે વળતો વ્યવહાર કરીને મોંગલા પોર્ટ અને તિસ્તા પ્રોજેક્ટ ચીનને આપી દીધાં છે. તિસ્તા નદી ભારત માટે અત્યંત મહત્વની છે અને મોંગલા બંદર પણ ભારત માટે મહત્વનું છે. શેખ હસીનાએ બંને પ્રોજેક્ટ ભારતને આપેલા પણ રહેમાને ચીનને આપી દેતાં ભારતને મોટો આર્થિક ફટકો પડશે ને સુરક્ષા સામે પણ ખતરો ઉભો થશે. મોંગલા અને ચિત્તાગોંગ પોર્ટથી અગરતલાનું અંતર અનુક્રમે ૨૨૦ અને ૩૩૦ કિમી હોવાથી ભારત સરળતાથી માલસામાનની હેરફેર કરી શકતું હતું. ચીનની હાજરીમાં ભારત હવે મોંગલાથી આ ફાયદા ઉઠાવી શકશે નહીં.

ચીન ભારતને ઘેરી રહ્યું છે ?
ચીને બાંગ્લાદેશ સાથે જે-૧૦સી, ફાઇટર જેટ, ટાઈપ-૧૫ ટેન્ક સહિતનાં આધુનિક હથિયારો આપવાનો કરાર કર્યો તેને સંરક્ષણ નિષ્ણાતો ‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’ (String of Pearls) નીતિનો ભાગ માની રહ્યા છે. ‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’ વ્યૂહરચનામાં ભારતના પાડોશી દેશોનાં બંદર કેન્દ્રસ્થાને છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો હોવાથી ભારતને ઘેરવું હોય તો સમુદ્રના રસ્તે તેને ઘેરવું પડે. ચીન અને ભારત દરિયાઈ માર્ગે જોડાયેલાં નથી તેથી ચીને ભારતના પાડોશી દેશોનાં મહત્વનાં બંદરોને નિશાન બનાવ્યાં છે. ચીન ભારતના પાડોશી દેશોનાં એક પછી એક બંદર પર પગપેસારો કરી રહ્યું છે.
ચીન દરેક બંદરને ‘પર્લ’ (મોતી) માને છે અને આ મોતીની હારમાળા દ્વારા ભારતને ભિડાવવા માગે છે. ચીને અત્યાર સુધીમાં પાકિસ્તાનના ગ્વાદર, શ્રીલંકાના હંબનટોટા તથા બાંગ્લાદેશના ચિત્તાગોંગ અને મોંગલા બંદરો પર નિયંત્રણ મેળવ્યું છે. હિંદ મહાસાગરમાં આવતાં આ બંદરો પર ચીન લશ્કરી છાવણીઓ બનાવી રહ્યું છે અને ભારતના પાડોશી દેશોને હથિયારો પણ આપી રહ્યું છે કે જેથી સમય આવ્યે ભારત પર ચારે બાજુથી હલ્લાબોલ કરી શકાય. ચીન મ્યાનમારને પણ પોતાના પડખામાં લેવા માટે મથી રહ્યું છે. ઈરાનના ચાબહાર બંદર પર કબજો કરવા માટે પણ ચીને પ્રયત્ન કરેલો પણ ઈરાન ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યાં છે તેથી ચીનને સફળતા નથી મળી. હિંદ મહાસાગરમાં ચીને એ હદે પગપેસારો કર્યો છે કે, હિંદ મહાસાગરમાં આવેલાં ભારત સિવાયના દેશોનાં સૌથી મહત્વનાં ૧૭ બંદરોમાંથી ૧૩ નો વિકાસ ચીનની કંપનીઓ કરી રહી છે જ્યારે બાકીના પ્રોજેક્ટ્‌સમાં તેમની ભાગીદારી છે.
ચીનનું આ પ્રભુત્વ ભારત માટે મોટો ખતરો બની શકે છે કેમ કે હિંદ મહાસાગરના કારણે ભારત અત્યંત સુરક્ષિત છે. હિંદ મહાસાગર પર ચીનનું પ્રભુત્વ ના હોય તો ભારતની સુરક્ષા જોખમમાં આવી જાય. હિંદ મહાસાગરમાં મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ તથા બીજી કિંમતી ખનિજો પણ છે. ચીન તેના પર પણ કબજો કરી લે તો ભારતને આર્થિક રીતે પણ મોટો ફટકો પડે. માછલીઓ સહિતના સી-ફૂડનો અબજોનો માલ પણ ચીનના હાથમાં જતો રહે. અત્યારે ભારતના લાખો માછીમાર પરિવારો હિંદ મહાસાગરમાં માછીમારી કરીને નભે છે. તેમની આજીવિકા પર પણ ખતરો આવે ને દરિયાઈ માર્ગે થતી ભારતીય માલની હેરફેરને પણ ગંભીર અસર થાય એ જોતાં ‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’ ભારત માટે બહુ મોટો ખતરો બની શકે છે.

ચીનને ખાળવા ભારત શું કરી રહ્યું છે ?
‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’ સામે ભારતે ‘નેકલેસ ઓફ ડાયમંડ’ મિશન હાથ ધર્યાનું કહેવાય છે. ભારત સરકારે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટ જાહેર કર્યો નથી તેથી તેની સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી પણ ભારત ‘નેકલેસ ઓફ ડાયમંડ’ હેઠળ ૪ મિશન પર કામ કરી રહ્યું છે. પહેલું મિશન ચીનથી ત્રસ્ત દેશોને એક કરીને નવી બનાવવાનું છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સાથે મળીને બનાવાયેલં ક્વોડ મિશન આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે. આ સિવાય ચીન દરિયાઈ માર્ગે જેમનવે કનડે છે એવા સિંગાપોર, ઇન્ડોનેશિયા, સેશેલ્સ, ઓમાન, ઇરાન, મંગોલિયા, જાપાન અને વિયેતનામ સાથે ભારતે ભાગીદારી કરવા માંડી છે. આ દેશોમાં પોર્ટ ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં ભારત ભાગીદાર બન્યું છે. આ દેશોમાં ભારત નેવલ ફેસિલિટી પણ તૈયાર કરી રહ્યું છે કે જેથી ભવિષ્યમાં ચીનના ઈશારે બાંગ્લાદેશ તે બીજો કોઈ દેશ હુમલાની ગુસ્તાખી કરે તો તેને જવાબ આપી શકાય.
આ ઉપરાંત મોરેશિયસના અગાલેગા ટાપુ પર ભારતે એર સ્ટ્રીપ અને જેટી બનાવી છે. મોરેશિયસ યુકેના તાબા હેઠળનો પ્રદેશ છે અને ભારતીયોની બહુમતી છે તેથી ભારત માટે વફાદાર મિત્ર છે. મોરેશિયસથી ભારત ચીનની હિલચાલ પર નજર રાખી શકે છે. ભારત બંગાળની ખાડી અને મલક્કા સ્ટ્રેટ પર નજર રાખવા માટે આંધ્રપ્રદેશના રામબિલી ગામમાં નેવલ બેઝ INS વર્ષા’ બનાવી રહ્યું છે. નેવીની ન્યુક્લિયર સબમરીન અહીંથી કામ કરશે તેથી ભારતનું સુરક્ષા કવચ મજબૂત બનશે. આ ઉપરાંત અંદામાન અને નિકોબાર ટાપુઓ પર આર્મી, એરફોર્સ અને નેવીની ટ્રાય-કમાન્ડ બનાવવામાં આવી છે કે જેથી ચીનની ગતિવિધિ, બંગાળની ખાડી અને મલક્કા સ્ટ્રેટ પર નજર રાખી શકાય છે.
ભારત સરકાર બીજાં પણ જાહેર ના કરી શકાય એવાં પગલાં લઈ જ રહી હશે તેથી દેશનાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પણ આ ઘટનાક્રમ ચીનની લુચ્ચાઈને છતી કરે છે. ચીન ભારત સાથે દોસ્તીની વાતો કરે છે પણ તેને દોસ્તીમાં નહીં પણ ભારતને નુકસાન કરવામાં અને ભારતનો પ્રદેશ પડાવી લેવામાં જ રસ છે તેનો આ વધુ એક પુરાવો છે. sanjogpurti@gmail.com