‘‘આવ બકા આવ , આજે કેમ મોઢું પંચર થયેલાં ટાયર જેવું થઈ ગયું છે.’’
‘‘શું વાત કરુ બોસ .’’
‘‘બસ , જે વાતથી પંચર પડ્યું ઈ કેને.’’
‘‘ભાઈબંધ મુસીબતમાં છે.’’
‘‘ભાઈજાન મુસીબતમાં છે. ઈતો આખું ભારત જાણે છે. અને હું કે તું એમાં કરીય શું શકીએ!? કરેલાં કરમના બદલા દેવાં પડે. ઉપરવાળાને ન્યા દેર છે. પણ અંધેર નથી.
અને રહી વાત ભાઈજાનની તો આપણે બેય ન્યા ટૂંકા પડીએ. બીજું કાંઈ હોય તો બોલ.’’
‘‘તમે તો ભાઈ ભારે ઉતાવળા.’’
‘‘તે ઉતાવળ તો રાખવી જ પડે ને. પેલો ઘા રાણાનો .કોની મિસાઈલ કયારે આવી જાય ઈ અત્યારે નક્કી નથી.એટલે આપણે તો ઘોડો પાડી જ દેવાનો.’’
‘‘અરે પણ , હું એ ભાઈજાનની વાત નથી કરતો.
એમાં તો હારા હારા ટૂંકા પડે છે.તો પછી મારું તો શું ગજું.અને સાબરમતી જેલમાં મળવા જવાની આપણી ઓળખાણેય નથી.’’
‘‘તો પછી ભાઈજાનની વાત કેમ કરે છે??
અને વાત શાની છે?’’
‘‘છૂટાછેડાની .એટલે તો વાત ગંભીર છે. ઘડીકમાં છૂટાછેડા થઈ ગયાં.’’
‘‘ઓ હો હો હો , મારું તો માથું ભમી ગયું. આંખો ઓડે વય ગઈ બકા ! , હજી તો ભાઈજાનના લગ્નેય થયાં નથી. અને લગ્ન પહેલાં છૂટાછેડા!?? આ નવો કાયદો કયારે આવ્યો ? અને આ બધું ક્યાંરે થયું ?’’
‘‘હું ભાઈબંધની વાત કરુ છું.ભાઈજાનની નહીં.’’
‘‘તો તો આંધળે બેરૂ કૂટયુ. હા પણ , તારાં ભાઈબંધને થયું છે શું?’’
‘‘તલાક તલાક તલાક. ત્રણ વાર બોલ્યાંને છૂટાછેડા થઈ ગયાં. હવે બીચારો પસ્તાય છે.’’
‘‘અરે પણ , તલાક તલાક તલાક તો બંધ થઈ ગયું છે ને .’’
‘‘છતાંય આવું ઘણું બધું ખાનગીમાં હાલે છે.
મોદી સાહેબ ક્યાં ક્યાં પહોંચે? બીચારા અઢાર અઢાર કલાક તો કામ કરે છે.’’
‘‘હા પણ તારાં ભાઈબંધને તલાક આપ્યાં કોણે ?’’
‘ઝતમેય તે શું બોસ . તલાક કોણ આપે ? એની ઘરવાળી જ આપે ને . બાજુવાળાની ઘરવાળી થોડી આપે.’’
‘‘તો તો બીચારો છૂટી ગયો. ઘણાં ય રાહ જોઈને બેઠાં છે. તલાક હાંભળવા ,પણ આવો મોંકો મળતો જ નથી.
પણ ,એતો જણાવ કે છૂટાછેડા થયા કેમ? મતલબ તલાકનું કારણ શું??’’
‘‘નકલી નકલી નકલી.’’
‘‘લ્યો બોલો..! તલાકેય નકલી આવી ગયાં?’’
‘‘તલાક નહીં બોસ, નકલી બટેકા.’’
‘‘આ વળી નવું લાવ્યો તું. નકલી પોલીસ, નકલી ઇન્સ્પેક્ટર, નકલી કલેક્ટર. અને નકલી દૂધ , દહીં ,માખણ અને નકલી ઘી. આવું તો હવે રોજ સાંભળવા મળે છે. અને પકડાય પણ છે.
આખેઆખી નકલી ઓફિસોય હાલવા માંડી છે.
નકલી દવા,નકલી ડોક્ટર અને નકલી રિપોર્ટ તો હવે બધાને કોઠે પડતું જાય છે.
નકલી ચોખા,નકલી દાળ , નકલી વરીયાળી અને હવે જથ્થાબંધ નકલી જીરૂ. આ બધુ માણસને હવે હદી ગયું છે. આ સમાચાર લાગતાં જ નથી. અને નકલી રૂપિયા તો આપણે લખીય ના શકીએ . નહીંતર આપણી ઘેર રેડ પાડી દે.
હા , એકવાત છે. રેડ પાડવા વાળા અસલી છે કે નકલી ? ઈ પાછી વિચારવાની વાત છે.’’
‘‘બસ બસ બસ . તમે આ નકલીની સડકે ચડી ગયાં છો. પણ આપણી વાત તો અસલી છે .ઈ તો ખબર છે ને !!’’
‘‘બકા બકા , નકલીના વંડામા ઘૂસી ગયાં પછી, અસલી કાય જડતું જ નથી.
પણ એ તો કહે આ નકલી બટાકા વળી શું છે? અને નકલી બટાકામાં એવડી મોટી તાકાત કે કોઈના છૂટાછેડા ય કરાવી નાંખે. મેં સાંભળ્યું છે કે, દુનિયામાં સૌથી મોંઘામા મોંધા છૂટાછેડા છ લાખ કરોડના થયાં છે. ત્યારે આપણાં બટાકા વળી છૂટાછેડા કરાવી નાંખે !?? તો તો હવે વકીલાતનો ધંધો ભાંગશે. અને બટાકા વાળાનું ઉપડી જાહે.
ખેડૂતો હવે માલામાલ થઈ જાહે.
હા પણ , બટાકાએ છૂટાછેડા કરાવ્યાં કેમ ?’’
‘‘ઘરવાળીએ ભાઈબંધને બટાકા લેવા મોક્લ્યો. ભાઈબંધને કલરવાળા બટાકા પસંદ આવી ગયાં.’’
‘‘લો કર લો બાત..! કલરવાળા બટાકા આવવાં લાગ્યાં? આ વળી નવું આવ્યું.’’
‘‘કલરવાળા નથી આવતાં. કલર કરેલાં મળે છે.ભાવ વધારો મળે . એટલે તો છૂટાછેડા થયાં . ભાઈબંધ કલર કરેલાં બટાકા લાવ્યો. અને ઘરવાળીનો મગજ ગયો .ત્રણ વાર તલાક ,તલાક ,તલાક .બોલી ગઈ.’’
‘‘મારેય આવાં બટાકા લેવાં છે . ક્યાં મળે છે !??’’
kalubhaibhad123@gmail.com










































