ગુજરાતમાં આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાયદાકીય કાર્યવાહી અને સજાના મુદ્દે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “ચૈતર વસાવા ગુજરાતનો હીરો છે અને રહેશે. સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમને દબાવવાનું આ એક રાજકીય ષડયંત્ર છે.”
ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમની જમીનો પડાવી લેવામાં આવી રહી છે, આદિવાસી બાળકોના સ્કોલરશીપનો મુદ્દો હોય કે ગ્રામ પંચાયતોની સહાયતાનો વિષય – આ તમામ મુદ્દાઓ પર અત્યાર સુધી આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આવા કપરા સમયમાં ચૈતર વસાવા આદિવાસી યુવાનો અને સમગ્ર સમાજ માટે એક ‘આશાનું કિરણ’ અને મજબૂત અવાજ બનીને ઉભરી આવ્યા છે. તેમણે આદિવાસીઓના તમામ મુદ્દાઓ પર ન્યાય અપાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર મોટી લડત લડી છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ ક્યારેય ભાજપ સામે ઘૂંટણ ટેકવ્યા નથી. આ જ કારણે આદિવાસી સમાજે પોતાના સાચા નેતાને ઓળખીને નર્મદા જિલ્લા પંચાયતની સત્તા પણ આમ આદમી પાર્ટીને સોંપી છે.
ભાજપ સરકાર પર આક્ષેપ કરતા આપ નેતાએ કહ્યું કે, ભાજપના માણસોએ આદિવાસી વિસ્તારમાં ન કરવાના ધંધા કર્યા છે. ગૃહમંત્રીએ પોતે ડેડિયાપાડા જઈને સભાઓ કરવી પડી, જે દર્શાવે છે કે તેઓ ચૈતર વસાવાની લોકપ્રિયતાથી કેટલા ડરી ગયા છે. ચૈતર વસાવાને તોડવા અને ભાજપમાં ભેળવી દેવા માટે છેલ્લા બે વર્ષથી અનેક પ્રપંચો અને ખોટા કેસ ઊભા કરવામાં આવ્યા, તેમના પર ભારે દબાણ કરવામાં આવ્યું અને અંતે જેલમાં પણ નાખવામાં આવ્યા.
ઇટાલિયાએ કોર્ટની કાર્યવાહી અને સરકારી પંચો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે સાક્ષી પણ સરકારી, પોલીસ પણ સરકારી અને પંચ પણ સરકારી! આનો સીધો મતલબ એ છે કે સત્તાધારી પક્ષે આખા સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છે. ચૈતર વસાવાને સજા કરાવીને આદિવાસી સમાજના અવાજને દબાવવાનો આ એક મોટો ખેલ છે.
ભાજપે ઘડેલા આ આખા ષડયંત્રને કારણે આજે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ અત્યંત નારાજ અને ગુસ્સામાં છે. આદિવાસી સમાજ પોતાના નેતા સાથે ખડતલ રીતે ઊભો છે. ભાજપે સત્તાના જારે જે અન્યાય કર્યો છે, તેનો જડબાતોડ જવાબ આદિવાસી સમાજ આગામી દિવસોમાં આપશે.
ગોપાલ ઇટાલિયાએ પક્ષ વતી મજબૂત ખાતરી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી અને સમગ્ર આદિવાસી સમાજ ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે છે. આ અન્યાય સામે અમારી દિલ્હી અને ગુજરાતની સર્વોચ્ચ કાયદાકીય ટીમ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. અમે આ બાબતે બિલકુલ પીછેહઠ કરવાના નથી. જરૂર પડશે ત્યાં અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને ન્યાયની માંગણી કરીશું. ટૂંકમાં, આમ આદમી પાર્ટી અત્યારે પૂરેપૂરા ‘લડી લેવાના મૂડ’ માં છે અને ચૈતર વસાવાને ન્યાય અપાવીને જ જંપશે.









































