જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો રાજકોટમાંથી મૃતદેહ મળ્યો છે. ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે નંદનીના પરિવારજનોએ સનસનીખેજ આરોપ મૂક્યા છે. નંદનીની હત્યા કરી લાશ ટીંગાડી હોય તેવો આક્ષેપ પણ પરિવાર તરફથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે જોઇએ નંદની કોની સાથે લિવ ઇનમાં રહેતી હતી?
મૃતક નંદની જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસેન સમા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી હતી. લિવ-ઈન પાર્ટનર અસલમ અવારનવાર નંદનીને માનસિક-શારીરિક ત્રાસ આપી મારકૂટ કરતો હોવાનો પરિવારનો આક્ષેપ છે. અસલમે જ નંદનીની હત્યા કરી લાશને ફાંસે ટીંગાડી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મૃતકના પિતાનો ગંભીર આરોપ છે.
મૃતકની બહેન રૂપલ બોસમીયાના જણાવ્યા અનુસાર, અસલમ બુટલેગર છે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારજનો દ્વારા નંદની પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે.
પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પીએમ રિપોર્ટની રાહ જાવાઈ રહી છે. ફોરેન્સીક પીએમ બાદ નંદનીના મૃતદેહને તેના વતન નવાગઢ (જેતપુર) ખાતે લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાયો છે. મૃતકની બહેન રૂપલ બોસમીયાએ જણાવ્યું કે, તેમની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા. અસલમ પરણેલો હતો. એક છોકરાનો બાપ છે. તેની માતા અને બહેન તેની પત્ની પાસે બોલાવતા હતા. મારી બહેને કહ્યું હતું કે તારી માતાને અહીં બોલાવીલે પણ તે માન્યો નહીં અને તેણે નંદની પર હાથ ઉપાડ્યો હતો. તે નંદનીને છોડીને બે દિવસથી જતો રહ્યો હતો. કાલે બપોરે નંદનીને વાત કરવા માટે બોલાવી હતી. પછી ત્યાં શું વાત થઇ તે ખબર નથી. તેણે ગળે ટૂંપો ખાધો કે મારી નાંખી છે, તેની જાણ નથી. ત્યાર બાદ અસલમનો ફોન પણ બંધ છે. નંદની અને અસલમ વચ્ચે મૈત્રી કરાર હતો. અસલમ બુટલેગર છે.








































