૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતના તમામ કેન્દ્રોની સાથે બ્રહ્માકુમારીઝ સંસ્થા, અમરેલી દ્વારા ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વેત વસ્ત્રધારી ૧૦૦ ભાઈ-બહેનોની આ રેલીને યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર સાગરભાઈ મહેતાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે યોગને જીવનની અમૂલ્ય સંપત્તિ ગણાવી તેના વ્યાપક પ્રસાર માટે પ્રેરણા આપી હતી. આ રેલી ગાંધીબાગથી શરૂ થઈ ફોરવર્ડ સર્કલ, નાગનાથ અને રાજકમલ ચોક થઈ પરત ગાંધીબાગ પહોંચી હતી.અમરેલી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ગીતાદીદીએ યાત્રાનું નેતૃત્વ કરતા જણાવ્યું કે, યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ મન, બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે જોડી શાંતિ, સુખ અને શક્તિ આપતું દિવ્ય સાધન છે. આ પ્રસંગે તમામ ભાઈ-બહેનોએ વિશ્વશાંતિ, માનવકલ્યાણ અને તણાવમુક્ત-નશામુક્ત સમાજના નિર્માણ માટે શુભ સંકલ્પો કર્યા હતા.