ગોંડલમાં આંગડિયા પેઢીના મેનેજરે માલિકનો વિશ્વાસઘાત કરી કરોડોની ઉચાપત આચર્યાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના હર્ષદભાઈ બોરીયાની ‘પી.એમ. આંગડિયા પેઢી’માં ૧૪ વર્ષથી કાર્યરત મેનેજર મયુર ઢોલે પોતાના બનેવી જલ્પેશભાઈ ઝાપડિયા સાથે મળીને ૨ કરોડ ૬૧ લાખ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. મયુરે શાપર, જેતપુર અને ધોરાજી બ્રાન્ચમાંથી આ રકમ સેરવી લીધી હતી. સીસીટીવી ફૂટેજમાં જલ્પેશ કેદ થતાં સમગ્ર ચોરી પકડાઈ ગઈ હતી. આરોપીઓએ માત્ર ૩૦ લાખ પરત કરી, બાકીના ૨ કરોડ ૩૧ લાખ આપવાનો ઇનકાર કર્યો અને માલિકને ધમકી આપી હતી. આ કબૂલાતનો વિડીયો માલિકની દીકરીએ મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. અંતે હર્ષદભાઈએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર અને તેના બનેવી વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને વિડીયો ફૂટેજના આધારે પી.આઈ. જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી છે.









































