આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરથી કરવા કરેલી અપીલના કારણે આ મુદ્દો ચર્ચામાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થઈ છે અને તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે. ભારતમાં પણ લાંબા સમય સુધી સરકારે પેટ્રલ-ડીઝલના ભાવોમાં ફેરફાર ના કર્યો પછી અંતે ભાવ વધારવા પડ્યા છે.
અમેરિકા અને ઈરાનનું યુધ્ધ સમાપ્ત થયું નથી અને બંનેના આક્રમક વલણને જોતાં યુધ્ધ પાછું ભડકી શકે છે એ જોતાં ક્રુડના પુરવઠાને હજુ ગંભીર અસર થાય એવું બને. આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘટાડવા વિનંતી કરી એ સમયસરની છે અને સાવચેતીભરી પણ છે. ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવાથી ભારતની ક્રુડની જરૂરીયાત પણ વધારે છે. તેના કારણે યુધ્ધની અસર ભારત પર વધારે થાય તેથી ભારતે કરકસર કરવી જ જોઈએ પણ સવાલ એ છે કે, આ કરકસર થાય કઈ રીતે ?
ભારતને રોજ કેટલું પેટ્રોલ જોઈએ ?
ભારતની રોજની ક્રુડ ઓઈલની જરૂરીયાત લગભગ ૬૦ લાખ બેરલની છે. હમણાં આપણા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ યુએઈ સાથે ૩ કરોડ બેરલ ક્રુડના સ્ટોરેજ માટેના કરાર કર્યા. ૩ કરોડ બેરલનો આંકડો બહુ મોટો લાગે તેથી તેના કારણે આ કરાર બહુ મોટો લાગે પણ વાસ્તવમાં ૩ કરોડ બેરલ ક્રુડ તો ભારત ૫ દિવસમાં ફૂંકી મારે છે તેથી આ સ્ટોરેજથી મોટી રાહત ના થાય. ભારતને ક્રુડ સપ્લાય કરતા દસ-બાર દેશો આ રીતે ભારત માટે ક્રુડ સ્ટોરેજની વ્યવસ્થા કરે તો ભારતને બે મહિના ચાલે એટલો ક્રુડનો જથ્થો સંઘરવાની તાકાત મળે.
ઓછા ભાવે ક્રુડ ખરીદીને સંગ્રહ કરો તો આર્થિક ફાયદો પણ થાય પણ મિડલ ઈસ્ટના દેશોમાં ઓમાન સિવાયના દેશોમાંથી આવતું ક્રુડ હોર્મુઝની ખાડીમાંથી જ લાવવું પડે તેથી હોર્મુઝની ખાડી ના ખૂલે ત્યાં સુધી ફાયદો નથી. હોર્મુઝ ખૂલી જાય પછી તો જહાજો મારફતે પણ ક્રુડ મંગાવી શકાય. આ સંજોગોમાં સ્ટોરેજથી હાલ ફાયદો નથી પણ એ મુદ્દો અલગ છે. મૂળ મુદ્દો આપણી જરૂરીયાતનો છે તેથી તેની વાત કરીએ.
ભારતમાં વસતી સતત વધી રહી છે તેના કારણે ક્રુડની જરૂરીયાત પણ વધી રહી છે. ભારત પોતાની જરૂરીયાતના ક્રુડ ઓઈલમાંથી ૮૫ ટકા ક્રુડની આયાત કરે છે. એક નવા અહેવાલ પ્રમાણે તો આ પ્રમાણ વધીને ૮૮ ટકા થઈ ગયું છે. ભારત વાર્ષિક આશરે ૨૪ કરોડ મિલિયન મેટ્રિક ટન (સ્સ્્) ક્રુડની પ્રોસસ કરીને પેટ્રોલ, ડીઝલ. એર ટર્બાઈઊન ફ્યુઅલ (એટીએફ), કેરોસીન વગેરે બનાવે છે.
ક્રુડની આયાતા માટે ભારતે ૨૦૨૫-૨૬ના નાણાંકી વર્ષમાં ૧૨૩ અબજ ડોલર એટલે કે લગભગ ૧૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં વધારો થવાથી આયાત બિલમાં વધારો થયો છે, સરેરાશ પ્રતિ બેરલ ભાવ વધી ગયા છે. એ જોતાં ચાલુ નાણાંકીય વર્ષમાં બિલ વધીને ૧૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી જશે એવું લાગે છે કેમ કે આ વરસે આયાત બિલ ૧૩૫ અબજ ડોલર થવાની અપેક્ષા છે. ડોલર સામે રૂપિયો તૂટીને ૧૦૦ની સપાટીની નજીક હોવાથી ભારત પર બોજ વધશે. અત્યારે સરકારની આવકના લગભગ ૨૦ ટકા ક્રુડ આયાતમાં જ ઉડી જાય છે.
ભારત પાસે ક્રુડ અને ગેસનો જંગી અનામત જથ્થો છે.
ભારત પાસે જમીનમાંથી બહાર કાઢેલા ક્રુડ ઓઈલનો જંગી જથ્થો છે. આ સિવાય ભારત પાસે પેટ્રોલીયમના જમીનમાં ધરબાયેલા બહુ મોટા વપરાયા વિનાના ભંડારો છે. પોતાના ભંડારો વાપરીને નવરા થઈ જવા કરતાં કોઈ વિકલ્પ ના બચે એ સમય માટે સંગ્રહ કરવાનો નિર્ણય શાણપણભર્યો છે. ભારત પાસે કુદરતી ગેસ પણ મોટા પ્રમાણમાં છે .
ભારત પાસે ૨૦૨૫ સુધીમાં ૫૦૦ કરોડ બેરલ ક્રુડનો જથ્થો હતો. અત્યારે ભારત પાસે લગભગ ૬૦૦ કરોડ બેરલ ક્રુડ હશે. આપણી રોજની ૬૦ લાખ બેરલની જરૂરીયાતને ધ્યાનમાં લઈએ તો પણ ૧૦૦૦ દિવસ એટલે કે અઢી વર્ષથી વધારે સમય સુધી ચાલે એટલાં ક્રુડ બેરલ આપણી પાસે પડ્યાં છે. ભારત પાસે રીફાઈનરીનું નેટવર્ક જોરદાર છે તેથી જરૂરીયાત પ્રમાણે પેટ્રોલ-ડીઝલ વગેરે મળ્યા કરે.
ભારત પાસે જમીનમાં ધરબાયેલો પેટ્રોલીયમ અને કુદરતી ગેસનો જથ્થો તો બહુ મોટો છે. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીના ડેટા પ્રમાણે, ભારતમાં ૬૦ કરોડ મેટ્રિક ટન (Mt) ક્રૂડ ઓઇલનો ભંડાર અને ૧૩૪૦ અબજ ઘન મીટર કુદરતી ગેસ (BCM) નો કુદરતી ગેસનો ભંડાર હોવાનો અંદાજ છે. એ પછી ક્રુડ કે ગેસના મોટા ભંડારો મળ્યા નથી તેથી અત્યારે કમ સે કમ આટલો જથ્થો તો ભારતની જમીનોમાં છે જ.
ભારતમાં કચ્છ, આંદામાન અને નિકોબાર ટાપુઓની આસપાસના સમુદ્રમાં, બંગાળના અખાતમાં તથા આંધ્રમાં
કૃષ્ણા-ગોદાવરી બેઝિનમાં મોટા પ્રમાણમાં ઓઈલ-ગેસ મળ્યાં છે. ભારતની ત્રણ બાજુ દરિયો છે. આપણી પાસે ૫૬૦૦ કિલોમીટરની દરિયાઈ સીમા છે. આ વિસ્તારમાં જંગી પ્રમાણમાં ઓઈલ-ગેસ ધરબાયેલાં પડ્યાં છે.
આપણે આપણા ક્રુડ અને ગેસના જથ્થામાંથી ૭૫ ટકા જથ્થાને હજુ અડક્યા જ નથી. ભારત પાસે ૨૬ વિસ્તાર (બેઝિન) એવા છે કે જ્યાં જંગી પ્રમાણમાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસ છે. ભારત અત્યારે માત્ર ૭ બેઝિનમાંથી ઓઈલ અને ગેસનું ઉત્પાદન કરે છે તેથી ૧૯ બેઝિન એવા છે કે જેનો આપણે ઉપયોગ જ કર્યો નથી. આ બેઝિનમાંથી ઓઈલ અને ગેસ કાઢવાનું શરૂ કરાય તો ત્રીસેક ટકા આયાત ઘટાડી શકાય એવું નિષ્ણાતો કહે છે. મતલબ કે આપણી જરૂરીયાતના પચાસેક ટકા ઓઈલની આપણે આયાત કરવી પડે. તેના કારણે આપણા પરથી આયાતનો મોટો બોજ ઘટી જાય પણ ભંડારો ખૂટવાનું શરૂ થાય એ જોતાં આયાત હમણાં ઘટાડવા જેવી નથી.
ભારત પાસે બીજા શું વિકલ્પો છે ?
ભારતે પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક બળતણના વિકલ્પો અમલી બનાવવા પડે. મોદી સરકારે ૨૦૨૨ સુધીમાં ભારતની જરૂરીયાતના ક્રુડ ઓઈલમાંથી ૬૭ ટકાની જ આયાત કરવી પડે એવો ટાર્ગેટ નક્કી કરેલો પણ અસરકારક રીતે અણલ ના થઈ શકવાના કારણે ક્રુડની આયાત વધી છે. ૨૦૦૫માં આપણે કુલ જરૂરીયાતના ૭૭ ટકા ક્રુડની આયાત કરતા હતા. અત્યારે આ પ્રમાણ ૮૮ ટકા પર પહોંચ્યું છે તેમાં દેશની બચત મૂડી પેટ્રોલીયમની આયાતમાં વપરાઈ જાય છે અને બીજાં વિકાસ કામો માટે પૈસા જ બચતા નથી. વૈકલ્પિક બળતણનું પ્રમાણ વધારીને ક્રુડ ઓઈલની આયાત ઘટાડાય તો બચેલાં નાણાં વિકાસ પાછળ વાપરી શકાય. ભારતમાં અત્યારે સીએનજી વાહનોમાં વૈકલ્પિક બળતણ તરીકે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. ભારત પાસે કુદરતી ગેસ જંગી પ્રમાણમાં હોવાથી તેનું ઉત્પાદન વધે તો ક્રુડની આયાત ઘટે પણ તેના કરતાં અસરકારક વિકલ્પ બાયોફ્યુઅલ છે. પેટ્રોલ-ડીઝલ જેવું જ બાયોફ્યુઅલ ખાસ પ્રકારની વનસ્પતિનાં તેલ, રિસાઈકલ કરેલું ગ્રીસ, પ્રાણીઓની ચરબી ફેટ વગેરેની મદદથી બને છે. ભારતમાં ખેતી પ્રધાન દેશ હોવાથી બાયોફ્યુઅલનો વિકલ્પ બહેતર છે.
બીજો સારો વિકલ્પ સોલર સેલનો છે. ભારતમાં વરસના દસ મહિના મોટા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે તેથી સોલર ટેકનોલોજીનો ઉપયોગ વધારીને પેટ્રોલીયમનો વપરાશ ઘટાડી શકીએ. ભારતે હાયબ્રિડ ટેકનોલોજી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સોલર સેલ, હાયડ્રોજન સેલ, ઈલેક્ટ્રિક બેટરી વગેરેનો ઉપયોગ કરીને પેટ્રોલનો ઉપયોગ ઘટાડી શકાય છે. ભારતમાં વીજળી ઉત્પન્ન માટે હજુય ડીઝલનો ઉપયોગ થાય છે. ન્યુક્લીયર ટેકનોલોજીનો ઉપયોગ વધારાય તો ડીઝલનો વપરાશ ઘટે ને ફાયદો થાય.
ભારતમાં આ વિકલ્પો અજમાવાય છે પણ તેનું પ્રમાણ નહિવત છે. હજુય પેટ્રોલ-ડીઝલ જ ભારતમાં મેઈન ફ્યુઅલ છે. આ સ્થિતી બદલવા વ્યાપક અભિયાન ચલાવવું પડે, કેટલાક આકરા નિર્ણયો પણ લેવા પડે. વસતી પર નિયંત્રણ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારે ઉપયોગ, સરકારી તંત્ર દ્વારા થતા પેટ્રોલ-ડીઝલના ધુમાડા પર અંકુશ. ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ, સગીરો દ્વારા વાહનોના ઉપયોગ પર નિયંત્રણ સહિતના આકરા નિર્ણયો લેવાય તો પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટે અને દેશ પ્રગતિ પણ કરે. sanjogpurti@gmail.com







































