માનવ જીવનમાં સંબંધોનું ખૂબ જ મહત્વ છે. સંબંધો વિશ્વાસ, લાગણી અને સમજણના આધાર પર ટકતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે કોઈ વ્યક્તિના શબ્દો, વર્તન અથવા પરિસ્થિતિ વિશે સંપૂર્ણ સત્ય જાણ્યા વગર જ મનમાં કોઈ ધારણા ધારી લઈએ છીએ. આ અનુમાન ધીમે ધીમે ગેરસમજમાં અને પછી અંતરમાં ફેરવાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે “અનુમાન કરવું કે ધારી લેવા કરતા પૂછી લેવું અને સમજી જવું સારું.”
આજના સમયમાં મોટાભાગના મતભેદોના મૂળમાં ગેરસમજ હોય છે અને ગેરસમજનું મુખ્ય કારણ છે “અપૂર્ણ માહિતી પરથી લીધેલો નિર્ણય.” માણસે સાંભળેલી અડધી વાત, જોયેલી અડધી ઘટના અથવા પોતાના મનના વિચારોના આધારે આખી કહાની બનાવી નાખે છે. પરિણામે સંબંધોમાં કડવાશ આવે છે. એક સરળ ઉદાહરણ જોઈએ તો,એક ઓફિસમાં બે સારા મિત્રો સાથે કામ કરતા હતા. એક દિવસ એક મિત્રએ બીજા મિત્રનો ફોન ઉઠાવ્યો નહીં. બીજા મિત્રએ તરત મનમાં વિચાર્યું કે હવે તે મને અવગણવા લાગ્યો છે. બીજા દિવસે ઓફિસમાં પણ વાત ઓછી થઈ. મનમાં ગેરસમજ વધતી ગઈ. થોડા દિવસ પછી ખબર પડી કે ફોન ન ઉઠાવનાર મિત્રની માતાની તબિયત ગંભીર હતી અને તે હોસ્પિટલમાં હતો. તે માનસિક તણાવમાં હોવાથી કોઈ સાથે વાત કરી શક્યો નહોતો. જો પહેલા જ દિવસે એકવાર પૂછી લીધું હોત “બધું ઠીક છે ને?” તો ગેરસમજ ઉભી જ ન થાત. આ નાનકડું ઉદાહરણ બતાવે છે કે અનુમાન ઘણી વખત હકીકતથી બહુ દૂર હોય છે. પારિવારિક જીવનમાં પણ આવું બને છે.ઘણા ઘરોમાં પતિ-પત્ની, માતા-પિતા અને સંતાનો વચ્ચેના મતભેદોનું કારણ પણ ગેરસમજ જ હોય છે. કોઈ વ્યક્તિ મૌન રહે તો આપણે ધારી લઈએ કે તે ગુસ્સામાં છે અથવા અભિમનમાં છે, કોઈ વ્યસ્ત હોય તો માની લઈએ કે તેને આપણું મહત્વ નથી. પરંતુ, હકીકતમાં કદાચ તે વ્યક્તિ કોઈ ચિંતા કે જવાબદારીમાં હશે. એક પિતાએ પોતાના દીકરાને પૂછ્યા વગર જ ધારી લીધું કે હવે દીકરો મોટો થઈ ગયો છે એટલે તેને પરિવાર માટે લાગણી નથી રહી. પરંતુ જ્યારે વાતચીત થઈ ત્યારે ખબર પડી કે દીકરો પોતાની જવાબદારીઓ અને કારકિર્દીના દબાણ વચ્ચે પરિવારને વધુ સારી સુવિધા આપવા માટે મહેનત કરી રહ્યો હતો.અહીં સમજણે સંબંધ બચાવ્યો ગણાય.અનુમાન કેમ ખતરનાક છે? એક પ્રચલિત વાર્તા સૌએ સાંભળી જ હશે કે એક પરિવારમાં નોળિયો પાળેલો હતો, તે કુટુંબને વફાદાર હતો.એક વાર તે ઘરની સ્ત્રી પોતાના બાળકને સુવાડીને પાણી ભરવા ગઈ હતી.એ દરમ્યાન એક સાપ આવીને બાળક ની નજીક જતો હતો , ત્યારે નોળિયાએ સાપને મારી નાખ્યો , લડાઈ દરમ્યાન નોળિયાના મુખ પર લોહીના ડાઘ પડી ગયા હતા.સ્ત્રી પાણી ભરીને આવી અને જોયું તો નોળિયાનું મો લોહીવાળું હતુ, તરત જ ઉતાવળમાં ખોટું અનુમાન બાંધ્યું કે નોળિયાએ તેના બાળકને બચકા ભરીને ફાડી ખાધું છે.પાળેલા નોળિયા પર ગલત અનુમાનમાં ક્રોધ ચડ્યો અને ધોકો લઈને તેને મારી નાખ્યો.પછી જોયું તો બાળક તો ઊંઘતુ હતું.સ્ત્રીને આખી વાત સમજાણી તો ખૂબ પસ્તાવો થયો કે પોતે ઉતાવળમાં ખોટું અનુમાન કરીને ખોટો નિર્ણય લીધો હતો.વફાદાર નોળિયાને ખોટી શંકા કરીને મારી નાખ્યો,પછી તો પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.આ નાનકડી વાર્તા આપણને ઘણું શીખવાડી જાય છે.અનુમાન સત્યને ઢાંકી દે છે,ગેરસમજને જન્મ આપે છે,વિશ્વાસ ઘટાડે છે,મનમાં શંકા જન્માવે છે,સંબંધોમાં અંતર લાવે છે અને મનમાં નકારાત્મક વિચારો વધારે છે,જેના કારણે ખોટા નિર્ણયો લેવાય જાય છે. ઘણી વખત માણસ સામેની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરતો નથી, માત્ર પોતાના દ્રષ્ટિકોણથી નિર્ણય કરી લે છે. પરંતુ દરેક ઘટનાની પાછળ કોઈ કારણ હોય છે, જે વાતચીતથી કે ધીરજ પૂર્વકની સમજણથી જ જાણી શકાય છે. સંબંધો બચાવવા માટે સંવાદ સૌથી મોટું સાધન છે. એક સરળ પ્રશ્ન “શું થયું?”, “તમે ઠીક છો?” અથવા “હકીકત શું છે?” આવા પ્રશ્નો ઘણા સંબંધોને તૂટતા બચાવી શકે છે.સમજદાર વ્યક્તિ ક્યારેય માત્ર સાંભળેલી વાત પરથી નિર્ણય કરતી નથી. તે પહેલા સત્ય જાણવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સમજણ સંબંધોને મજબૂત બનાવે છે જ્યારે અનુમાન સંબંધોને નબળા બનાવે છે. અંતિમ સંદેશ એ છે કે,જીવનમાં દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહી છે. દરેકના વર્તન પાછળ કોઈ અજાણી પરિસ્થિતિ હોઈ શકે છે. તેથી કોઈ વિશે તરત નિર્ણય લેતા પહેલા તેની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચા અને સુંદર સંબંધો માટે માત્ર લાગણી પૂરતી નથી, સમજણ પણ જરૂરી છે. તેથી જ્યારે પણ મનમાં કોઈ શંકા જન્મે, ત્યારે અનુમાન ન બાંધવું, એકવાર પ્રેમથી પૂછી લેવું, કારણ કે ઘણી ગેરસમજનો અંત માત્ર એક સંવાદથી આવી જાય છે.આ રીતે ધારી લેવા કરતા પૂછી લેવાથી શંકાનુ સમાધાન થઈ જાય છે.
“અનુમાનથી અંતર વધે છે,
અને સમજણથી સંબંધો ગાઢ બને છે.”
“અનુમાન કરીને સંબંધો
આભાર – નિહારીકા રવિયા બગાડવા કરતા,
એકવાર પૂછીને સાચું સમજી લેવું વધારે સારું.
કારણ કે ઘણી વખત ગેરસમજ શબ્દોથી નહીં,
પણ મનમાં ઊભેલા અનુમાનોથી જન્મે છે.”
ધારી લેવું સહેલું છે,
પણ સમજી લેવું સમજદારી છે.






































