દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન્ઝ્રમ્ પોલીસે સરકારી તિજારીને નુકસાન પહોંચાડતા એક મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાહનોની ખોટી નંબર પ્લેટો લગાવી, બોગસ ઈ-વે બિલ જનરેટ કરી સરકારને જીએસટીમાં લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ૭ સભ્યોની શાતિર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ ૫૮.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા વિસ્તારમાં વોચ ગોઠવીને આ આખી ટોળકીને રંગેહાથ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ જીએસટી ચોરી કરવા માટે અત્યંત ચાલાકીપૂર્વક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. તેઓ એકસરખા દેખાતા બે આઈસર ટ્રક રાખતા હતા.
કૌભાંડ આચરવા માટે એક ટ્રકમાં ભારે વજન ધરાવતો લોખંડનો સ્ક્રેપ ભરવામાં આવતો હતો, જ્યારે બીજા ટ્રકમાં રેતી અને સિમેન્ટના ચોરસા ભરીને તેનું કાયદેસર વજન કરાવવામાં આવતું હતું. વજન કરાવ્યા બાદ, આરોપીઓ વાહનોની નંબર પ્લેટમાં ફેરફાર કરી નાખતા હતા અને તેના આધારે ઓનલાઇન બોગસ ઈ-વે બિલ બનાવી લેતા હતા.
આ નકલી દસ્તાવેજાના સહારે ભારે વજનના મોંઘા લોખંડના સ્ક્રેપનું ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવતું હતું. આ આખી સિસ્ટમ પાછળનો મુખ્ય હેતુ સરકારને ટેક્સના લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી પોતાના ખિસ્સા ભરવાનો હતો. પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરીને કૌભાંડમાં સંડોવાયેલા તમામ ૭ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ગુનાના સ્થળેથી કૌભાંડમાં વપરાતા બે આઈસર ટ્રક, એક સ્કોર્પિયો, એક સ્વિફ્ટ કાર, ૧૧ નંગ મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અંદાજે ૨૮,૭૦૦ કિલો લોખંડનો સ્ક્રેપ જપ્ત કરવામાં આવ્યો છે. ઓખા પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધીને, આ ટોળકી ભૂતકાળમાં આવા કેટલા કૌભાંડ આચરી ચૂકી છે અને તેમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે










































