ગુજરાતમાં દરિયાઈ માર્ગે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલી કડક કાર્યવાહીમાં મહત્વપૂર્ણ કાનૂની સફળતા મળી છે. ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કુલ ૫૭૫ કરોડના હેરોઇન સ્મગલિંગ સાથે જાડાયેલા ત્રણ અલગ-અલગ કેસોમાં ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાન નાગરિક સહિત કુલ ૧૯ આરોપીઓને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત દરેક આરોપી પર ૨ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ચુકાદો આપતાં કોર્ટે જણાવ્યું કે નશાકારક પદાર્થોની હેરાફેરી માત્ર એક સામાન્ય ગુનો નથી, પરંતુ તે દેશના યુવાઓને વ્યસન તરફ ધકેલી રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો ગંભીર પ્રયાસ છે. કોર્ટે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાને માન્ય રાખીને તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા.
ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં ઝડપાયો હતો હેરોઇન
કેસ-૧ વર્ષ ૨૦૨૦માં ૧૭૫ કરોડનું હેરોઇન જપ્ત
૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને ભુજ એસઓજીએ જખૌ નજીક દરિયામાં કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનથી આવેલી બોટમાંથી પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરીને આશરે ૩૫ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે ૧૭૫ કરોડ હતી.
કેસ-૨ વર્ષ ૨૦૨૧માં ૧૫૦ કરોડનું હેરોઇન ઝડપાયું
૧૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ હૈદરી પોર્ટ તરફથી આવેલી એક શંકાસ્પદ બોટને જખૌ નજીક રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન આઠ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી આશરે ૩૦ કિલો હેરોઇન, જેની કિંમત ૧૫૦ કરોડ હતી, જપ્ત કરવામાં આવ્યું હતું.
કેસ-૩ વર્ષ ૨૦૨૨માં ૨૫૦ કરોડનું હેરોઇન અને અફઘાન કનેક્શન
૮ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ફરી દરિયાઈ માર્ગે હેરોઇન લાવવાના પ્રયાસ દરમિયાન છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તમની પાસેથી ૫૦ કિલો હેરોઇન, જેની કિંમત ૨૫૦ કરોડ હતી, જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અફઘાનિસ્તાનના એક નાગરિકની સંડોવણી પણ સામે આવી હતી, જેને બાદમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.
ત્રણેય કેસોમાં ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ સંયુક્ત રીતે કામગીરી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. મહત્વની વાત એ છે કે કોર્ટે બંને કલમો હેઠળની સજાઓ અલગ-અલગ ભોગવવાનો આદેશ આપ્યો છે. એટલે આરોપીઓને એક સજા પૂર્ણ થયા બાદ બીજી સજા ભોગવવી પડશે











































