અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ તા. ૨૯/૦૬/૨૦૨૬થી તા. ૦૬/૦૭/૨૦૨૬ સુધી ઉજવાઈ રહેલા સહકાર સપ્તાહ અંતર્ગત દામનગર ગુરુકુળ ખાતે યુથ અને મહિલા સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારની અધ્યક્ષતા મનીષ સંઘાણીએ કરી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભાર્ગવ ત્રિવેદી તેમજ ગુરુકુળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મનીષ સંઘાણીએ યુવાઓને યુથ કો-ઓપરેટિવ સાથે જોડાવા તેમજ મહિલાઓને સહકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં યુવા શક્તિ અને મહિલા શક્તિની ભાગીદારી વધવાથી વિકાસને નવી દિશા મળશે. કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા સહકારી સંઘના સી.ઈ.આઈ. સાગર મહેતાએ આયોજન અને વ્યવસ્થાની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.










































