સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ વધુ એકવાર સક્રિય થઈ છે. ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ બગસરાના કારખાના સંચાલકને જાળમાં ફસાવી રૂપિયા ૪,૦૦,૦૦૦ની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દિલીપગર ભીખુગર ગોસ્વામી (ઉ.વ.૫૨) એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. સાયબર ગુનેગારે તેમની સાથે સંપર્ક સાધી તેમને શેરબજારના રોકાણ અંગેના એક વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યા હતા. ત્યારબાદ આ ટોળકીના અન્ય સાગરીતોએ સંપર્ક કરી તેમની બેંક ખાતાની વિગતો મેળવી હતી. સાયબર ઠગોએ તેમને લલચાવવા માટે બોગસ ટ્રેડિંગ વેબસાઈટની લિંક મોકલી હતી અને ત્યાં ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવા માટે જણાવ્યું હતું.ગઠિયાઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે આ પ્લેટફોર્મ પર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સામે ૨૦૦% જેટલું માતબર રિટર્ન મળશે. આ ઉપરાંત, ‘યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ’ ના આઈપીઓમાં રોકાણ કરવાથી મોટો નફો થશે તેવી ખાતરી આપી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રૂ. ૧૦ લાખની સામે રૂ. ૪ લાખનું તાત્કાલિક રોકાણ કરવા દબાણ કર્યું હતું. ગઠિયાઓની વાતોમાં આવી જઈને તેમણે રૂ. ૪,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ જ્યારે તેમણે પોતાના પૈસા અથવા નફાની રકમ માંગી, ત્યારે સામેથી કોઈ જવાબ મળ્યો નહોતો અને સાયબર ઠગોએ તેમનું લોગીન આઈડી પણ બ્લોક કરી દીધું હતું. પોતાની સાથે રૂ. ૪ લાખની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.








































