રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શનિવારે મેઘમહેર જોવા મળી હતી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોરે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસ્યો હતો. રાજુલા શહેરમાં અંદાજે ૪ ઈંચ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નિશાળવાળો વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ, હવેલી, ચોક, શ્રીજી નગર અને રેનબો વિસ્તારમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતા તળાવો છલકાયા અને ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ હતી. જાફરાબાદ તાલુકામાં કુલ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે દરિયો પણ તોફાની બનતા જાફરાબાદ બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
વરસાદમાં પોલીસની સુંદર કામગીરી
રાજુલા પોલીસના અધિકારીઓ અને જવાનોએ સેવાભાવ દાખવીને પાણીમાં ઉતરી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પોલીસ જવાનોએ સાંકળ બનાવી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત પાણીમાં અટવાયેલા વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પણ સતત કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં સ્થાનિક સેવાભાવી યુવાનો પણ પોલીસ સાથે ખભેખભા મિલાવી જોડાયા હતા. પોલીસ અને યુવાનોના સંયુક્ત પ્રયાસોથી અનેક લોકોને સમયસર મદદ મળી હતી.




































