અમરેલીના વાંકિયા ગામમાં રહેણાંક વિસ્તાર સુધી ધસી આવેલા એક દીપડાને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ગામના રહેણાંક મકાનમાં પાડાનું મારણ કર્યા બાદ દીપડો એક ખાલી પી.એચ.સી. (PHC) ક્વાર્ટરમાં ઘૂસી ગયો હતો, જેને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રન્કવીલાઈઝ (બેભાન) કરી સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હતો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા વાંકિયા ગામે એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.