ઉનાના ગરાળ રોડ પર ખરાબ રસ્તા અને રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડાને કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો. મોઠા ગામ તરફ જઈ રહેલા બે યુવાનોમાંથી બાઇક ચલાવનાર યુવાને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સીધી રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉના-ભાવનગર હાઇવેથી ગરાળ તરફ જતા માર્ગ પર ગરાળ ગામ નજીક લાંબા સમયથી ઊંડા ખાડા હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. આ માર્ગ ગરાળ, સંજવાપુર, મોઠા અને સિમર સહિતના અનેક ગામોને જોડતો હોવાથી વાહનોની ભારે અવરજવર રહે છે.











































