ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં દબદબાભેર શુભારંભ થયો છે.
સમગ્ર દેશના શહેરી વિસ્તારોમાં પ્રદૂષણમુક્ત અને સુગમ વાહનવ્યવહાર પૂરો પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫૭,૬૧૩ કરોડના કુલ અંદાજિત ખર્ચ સાથે આ યોજના અમલમાં મૂકાઈ છે, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. ૨૦,૦૦૦ કરોડનો છે.
પીપીપી મોડેલ પર આધારિત આ મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ ઇલેક્ટ્રિક બસો તૈનાત કરવાનું લક્ષ્ય છે. આ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરને કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક મિડી બસોની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત આ યોજનાનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેના પ્રથમ તબક્કા તરીકે ૪૦ આધુનિક એ.સી. ઇ-બસોને લીલી ઝંડી આપીને નિયમિત રૂટો પર કાર્યરત કરવામાં આવી છે.
નાગરિકોની સેવામાં ઉમેરવામાં આવેલી આ નવી ઇ-બસો માત્ર પર્યાવરણને જ અનુકૂળ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સવલતની દ્રષ્ટિએ પણ બેજાડ છે. ૯ મીટર લાંબી આ સંપૂર્ણ એર-કન્ડીશન્ડ મિડી બસોમાં ૨૫ મુસાફરોની બેઠક ક્ષમતા ઉપરાંત ૧૩ મુસાફરો ઉભા રહે એ માટે આરામદાયક સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગ નાગરિકો માટે બસમાં હાઇડ્રોલિક રેમ્પ/પ્લેટફોર્મ સહિતની સંપૂર્ણ અક્સેસિબિલિટી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ મહિલા મુસાફરો માટે ૪ બેઠકો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ ૪ બેઠકો અનામત રાખવામાં આવી છે.









































