એક હતી ચકુ ચકલી. તે ઘણી હોશિયાર હતી. ને સાથે સ્માર્ટ પણ. નવા જમાના મુજબ તે સ્માર્ટવર્ક કરતી. એક દિવસ ચકાભાઈ કહે, ‘‘ચક્કી, ઓ ચક્કી! ચાલોને, આકાશે ઊડવા જઈએ ને ખેતરે ચણવા જઈએ!’’
ચક્કીબેને ચશ્માં ચડાવ્યા, પાંખમાં નવો મોબાઈલ પકડ્‌યો અને બોલ્યાં : ‘‘ચકાભાઈ, હવે તો દુનિયા બદલાઈ ગઈ છે! મારે નથી ઊડવું આકાશે, મારે નથી જવું ખેતરે કે મારે નથી કરવી મહેનત. મેં તો મંગાવ્યું છે ઓનલાઈન ભાણું, એ પણ મસ્ત મજાનું! હમણાં થોડીવારમાં આવ્યું સમજો!’’
ચકાભાઈને તો નવાઈ લાગી! ચક્કીબેને તો મોબાઈલમાં ‘ચિચિ-કાર્ટ’ એપ્લિકેશન ખોલી અને ઓર્ડર આપ્યો – બે દાણા બાજરી, એક ટીપું પાણી અને થોડી નમકીન સેવ!
થોડીવારમાં એક પોપટ માથે લાલ ટોપી પહેરીને આવ્યો. એ હતો ‘ડિલિવરી બોય’! એણે પાંખમાં પાર્સલ પકડ્‌યું હતું. ચક્કીબેન તો રાજીરાજી થઈ ગયાં. જમતાં પહેલાં ચક્કીબેને શું કર્યું, ખબર છે?
એમણે મોબાઈલ કાઢ્યો અને બોલ્યાં ઃ ‘‘પહેલાં એક સેલ્ફી, પછી જમવાનું!’’
ક્લિક… ક્લિક… ક્લિક!
એક ફોટો પાંખ ફફડાવતાં!
એક ફોટો ચાંચ પહોળી કરીને!
ને એક ફોટો ચકાભાઈ સાથે પણ પાડ્‌યો!
ચક્કીબેને સરસ મજાનો ફોટો ‘ચીંચીં-ગ્રામ’પર મૂક્યો અને નીચે લખ્યું:#PartyTime #YummyGrains #NoFlyingToday.
ચક્કીબેન તો આખો દિવસ રીલ્સ જોવામાં મગ્ન થઈ ગયાં. ‘ચીં ચીં ચીં’ કરતાં અવનવા વીડિયો જુએ અને પોતે પણ ઠુમકા લગાવે. ચકાભાઈ કહે, ચક્કી, ઓ ચક્કી! માળો સાફ કરવો છે, ચાલો થોડી મદદ તો કરો. ‘‘પણ ચક્કીબેન કહે, હમણાં નહીં, મારે હજી ગેમ રમવી છે!’’
ચક્કીબેન મોબાઈલમાં મસ્ત હતાં. ને અચાનક… ટીંગ! એવો અવાજ થયો ને મોબાઈલની સ્ક્રીન કાળી થઈ ગઈ. ચક્કીબેન ગભરાયાં, ‘‘અરે! મારો મોબાઈલ કેમ સૂઈ ગયો? ચકાભાઈ, જલદી જુઓ ને!’’
ચકાભાઈ હસીને બોલ્યા, ‘‘મોબાઈલ ભૂખ્યો થયો છે, એની બેટરી ઉતરી ગઈ છે!’’
ચક્કીબેન પાસે ચાર્જર તો હતું નહીં! હવે શું કરવું? એમને ખૂબ ભૂખ લાગી હતી, પણ ઓનલાઈન ઓર્ડર આપવા માટે મોબાઈલ તો બંધ હતો. છેવટે ચક્કીબેને મોબાઈલ મૂક્યો બાજુમાં અને ચકાભાઈ સાથે ગયાં ખેતરે.
ખેતરમાં તાજી તાજી જુવાર ચણીને ચક્કીબેન બોલ્યાંઃ
આકાશે ઊડવાની મજ્જા,
ખેતરમાં ચણવાની મજ્જા,
મજ્જા મજ્જા મજ્જા!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭