જાફરાબાદના વાંઢ ગામના પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે મિતિયાળા ગામે રહેતા શૈલેષભાઈ જસાભાઈ ભટ્ટીએ મોટર સાયકલ નંબર જીજે-૧૪-બીઈ-૨૧૦૭ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ ભાવેશભાઈ નોકરી માટે પોતાની મોટર સાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ જ્યારે મિતિયાળા ગામથી વાંઢ ગામ જવાના પાટિયા પાસે રોડ ઉપર પહોંચ્યા, ત્યારે સામેથી આવેલા મોટર સાયકલ ચાલકે અચાનક, કોઈપણ સિગ્નલ આપ્યા વગર કે હાથ વડે ઈશારો કર્યા વગર વળાંક લેતા તેમના ભાઈની મોટર સાયકલ તેની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તેમના ભાઈ ફંગોળાઈને નીચે પડી જતાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. શરીરે નાની-મોટી અન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમના ભાઈ બેભાન અવસ્થામાં છે અને કંઈ બોલી કે ચાલી શકે તેમ નથી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એમ. ચુડાસમા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.