લાઠી તાલુકાના ઠાંસા ગામે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં “વિકસિત ભારત જન કલ્યાણ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ ગ્રામજનોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેક જનહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે આવા જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.









































