બાબરા તાલુકાના ખંભાળા ગામ માટે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયત્નો, રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી સચોટ રજૂઆતો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે ખંભાળા ગામ ખાતે નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. અત્યાર સુધી ગામ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે અન્ય ગામો કે શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે ખાસ કરીને દીકરીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવી શાળા મંજૂર થતાં જ વિદ્યાર્થીઓને પોતાના જ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ બનશે. આ ઐતિહાસિક નિર્ણય બદલ ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. નવી માધ્યમિક શાળા શરૂ થવાથી સમગ્ર વિસ્તારના સામાજિક અને શૈક્ષણિક વિકાસને એક નવી ઊર્જા અને દીશા મળશે.









































