કોઈપણ રાષ્ટ્રની ઉન્નતી તેના શિક્ષણને આભારી છે. શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રાચીન સમયગાળા દરમિયાન ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ગુરુદેવ દ્વારા મૂલ્યો, સત્ય, પરંપરા, આધ્યાત્મિકતા, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના ગુણો સાથે જીવદયા માટેની કેળવણી આપવામાં આવતી હતી. ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી ગુરુને વચન આપતો હતો કે હું મારા જીવનના સમયગાળા દરમિયાન આપે જે મને વચન અને શિક્ષણ આપ્યું છે તે પ્રમાણે જીવન જીવવા પ્રયાસ કરીશ અને તે માર્ગે ચાલવા પ્રયત્ન કરીશ.
અંગ્રેજોની મેકોલો સિસ્ટમથી ચાલતી વ્યવસ્થાના કારણે પ્રાચીન ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત તેમજ અન્ય પ્રાચીન સંશોધિત ગ્રંથો અને આપણી પ્રાચીન વિદ્યાપીઠોના આચાર્યો દ્વારા થયેલા સંશોધિત ગ્રંથો આ રાષ્ટ્રની સાચી ઓળખ છે. તે ગ્રંથો સુધી ન પહોંચ્યા એટલે આપણે ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ બન્યા. અંગ્રેજી કેળવણીએ માત્ર ભારતીય પ્રજા પર વ્રજઘાત હતો.
દેશ આઝાદ થયો છતાં પણ હજી અંગ્રેજોના સમયના કાયદાઓ અને નિયમોને અધિનિયમો ચાલી રહ્યા છે! દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે બાળકોની અંદર જે સુષપ્ત શક્તિઓ પડેલી છે તેને કૌશલ્યના માર્ગે બહાર લાવવાનું સમય આવી ગયો છે.આજે માત્ર ડિગ્રીઓ પૂરતું શિક્ષણ થઈ ગયું છે. શિક્ષણ એક વેપાર બની ગયો છે. જ્યાં માત્ર લક્ષ્મીચંદો શિક્ષણના નામે લોહી ચૂસે છે. શિક્ષણએ સાર્વત્રિક પ્રક્રિયા છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનો કાયદો છે.આજે ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ ધીમે ધીમે ઓછી થઈ રહી છે તેની પાછળનું મૂળ કારણ શિક્ષણનો વ્યાપાર છે. ગુજરાતના મૂળધન્ય સાહિત્યકારો અને કેળવણીકાળોનાં શબ્દોમાં કહીએ તો બાળકોને શિક્ષણ સાથે સાથે કેળવણી આપવાની છે. ડિગ્રીઓ શિક્ષણ માત્ર પ્રમાણપત્ર છે. માનવતાના દીવડા જ્યારે શિક્ષણ થકી પ્રગટ થશે તે સમયે ભારત દિવ્ય અને ભવ્ય બનશે. આજે તો વધુ ભણેલો વધુ કરપ્શન કરે છે. અભણને બૌધ્ધિક જાસૂસી અને અમીચંદની જેમ ગદ્દાર બનવાનું નસીબ નથી. તેમનામાં અભણ હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જોવા મળે છે. આજે સ્કૂલોમાં ડ્રોપ આઉટ, પ્રિસર્વે, આભાકાર્ડ, વસ્તી ગણતરી જેવી અસંખ્ય કામગીરી સાથે શિક્ષકને જોતરી દીધો છે. વર્ગખંડમાં ભારતનું ભવિષ્ય ધળાઈ રહ્યું છે તેવું કોઠારી કમિશનને કહ્યું છે. ભવિષ્યને ઘડવા માટે જ શિક્ષક જ વર્ગમાં નહીં હોય તો કઈ રીતે રાષ્ટ્ર સબળ બનશે. કેટલાક નીતિવિષયક નિર્ણયો વિદ્યાર્થીઓના હિતાર્થે લેવા પડશે. બીજા અનેક વિભાગો અને બેકારોની ફોજ છે તેમને આવા કામ આપવા જોઈએ.જેથી શિક્ષણની ગુણવત્તા વધી શકે.
સમયસર શિક્ષકોની ભરતી થવી જોઈએ. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત ૬ ટકા બજેટ શિક્ષણ પાછળ વાપરવાનું છે. તેવા સમયે અંતરિયાળ વિસ્તારમાં ધૂણી ધખાવીને કાર્યકર્તા શિક્ષકો આ દેશની ધરોહર છે. શિક્ષકો ચોકસાઈથી કામ કરે છે એટલે જ તેમને બધી જ કામગીરી સોંપી દેવામાં આવે છે. ચાણક્યના વારસો હોવાથી તેમનો અંતરઆત્મા બાળકોના હિતાર્થે કાર્ય કરવાની નૈતિકતા નિર્માણ કરે છે. શિક્ષક અસાધારણ અને દેશનો આધારભૂત સ્ત્રોત છે. ડ્રોપઆઉટ બાળકોના વાલીઓની પણ જવાબદારી ફિક્સ કરવાની જરૂર છે. સ્કૂલમાં મોકલે નહીં ઓનલાઇન હાજરી પુરવાની હોય એટલે હાજર ન હોય એટલે ગેરહાજર બતાવવો પડે. શાળામાં લાવવા માટે ઘણા બધા શિક્ષકો માનવતાના ધોરણે પ્રયાસ કરતા હોય છે.પરંતુ બાળક ભણવા જ ના માગતો હોય ત્યારે તેના કારણો શોધવા જોઈએ.તેમજ તેના પાછળ કેટલાય કારણો છે જેમ કે ગરીબી, નાના ભાઈ બેનને રાખવા, દાળી મજૂરી જવું, માતાપિતાની અજ્ઞાનતા, નાની ઉંમરે લગ્ન કરી દેવા આવા અનેક કારણો જવાબદાર છે. વેકેશનના સમયગાળા દરમિયાન ઘણા બધા શિક્ષક મિત્રોએ ડ્રોપઆઉટ ઘટાડવા માટે સરકારના મિશનને સાકાર અને આકાર બનાવવા માટે ઘરે-ઘરે ફર્યા અને બાળકોનું નામાંકન થાય એવા પ્રયાસો કર્યા છે. પરંતુ પ્રાથમિક શિક્ષકનો બેજ મજબૂત કરવો હોય તો વર્ગની અંદર શિક્ષક હોવો જોઈએ જે બાળકોને પાયાનું જ્ઞાન અને શિક્ષણ આપી શકે. બાળકોના શિક્ષણ માટે સૌએ સાથે મળી સમર્થ પ્રયાસ કરવાની જરૂર છે.સરકારે પણ સમયસર આચાર્યશ્રી, ક્લાર્કશ્રી, શિક્ષકશ્રી, પટાવાળાની ભરતી કરવી જોઈએ.
શિક્ષણની વ્યવસ્થામાં સૌએ સહયોગ આપવો જોઈએ. બાળકો આપણા અન્નદાતા છે.તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.આજે જે આપણે હોદ્દા અને સમાજમાં પ્રતિષ્ઠાવાળું સ્થાન ધરાવીએ છે તેના કેન્દ્રસ્થાને બાળકો રહેલા છે. આપણો અંતર આત્મા બાળકોના હિતાર્થે જ હોવો જોઈએ તે જ સાચી શિક્ષા અને દીક્ષા હશે. બાળદેવો ભવઃ
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨