દામનગરના ગારિયાધાર ઢસા હાઈવે પર આવેલ વૈજનાથ મંદિર ચોકડી સતત ટ્રાફિકથી ધમધમે છે.
આ મુખ્ય ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનોની ટક્કર અને રઝળતા પશુઓને કારણે અકસ્માતો સર્જાય છે. અહીંથી પાલીતાણા, સાવરકુંડલા અને ભાવનગર તરફ જતા મુસાફરોની ભારે અવરજવર રહે છે, પરંતુ પ્રાથમિક સુવિધા સમાન ‘પે એન્ડ યુઝ’ ટોઈલેટ ન હોવાથી ખાસ કરીને મહિલા મુસાફરોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પાકા રસ્તાઓ બને છે, પરંતુ આવી જરૂરી જગ્યાઓએ સુવિધાઓ અપાતી નથી. તંત્ર અને લોકપ્રતિનિધિઓ આંખ આડા કાન કરવાને બદલે આ ગંભીર સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે.