ગાંધીનગર રેન્જ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને છત્રાલ જીઆઇડીસીમાં ચાલી રહેલી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન ‘હેપી ઓઈલ ઇન્ડસ્ટ્રી’ નામની ફેક્ટરીમાંથી રૂ. ૧.૬૭ કરોડની કિંમતનો શંકાસ્પદ પામ ઓઈલ અને કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં પામ ઓઈલમાં ખતરનાક કેમિકલ્સ ભેળવીને પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી. આ નકલી પ્રોડક્ટનો આશરે ૩૦ હજાર લીટર જેટલો જથ્થો વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય કરવામાં આવતો હતો. ત્યારબાદ કેટલાક વેપારીઓ આ પ્રોડક્ટ પર પોતાની બ્રાન્ડનું લેબલ લગાવીને તેને બજારમાં અસલી “દેશી ઘી” તરીકે વેચતા હતા.
આ મામલે ફેક્ટરીના સંચાલક જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરોપી જનકકુમાર સામે વર્ષ ૨૦૨૪માં પણ આ જ પ્રકારનો ભેળસેળનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, છતાં તે ફરીથી આ ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રકારના કેમિકલયુક્ત અને ભેળસેળવાળા ઘીનું સેવન કરવાથી માનવ શરીરને ગંભીર નુકસાન થાય છે. તેનાથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલમાં વધારો અને હાઈ બ્લડ પ્રેશર જેવી જીવલેણ બીમારીઓ થવાનો ભારે ખતરો રહેલો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એફએસએલ (ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ સેમ્પલો લીધા છે અને તેને વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ગાંધીનગર રેન્જ પોલીસ હાલ આ સમગ્ર નકલી ઘીના કારોબારની સપ્લાય ચેઇન અને એમાં સંકળાયેલા અન્ય વેપારીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.









































