ગુજરાતની ગ્રામ પંચાયતો સહિત ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ૧૬મા નાણાપંચની ગ્રાન્ટના અમલીકરણ અને મોનિટરિંગ અંગે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. વર્ષ ૨૦૨૬થી ૨૦૩૧ દરમિયાન ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓને નાણાપંચની ભલામણો મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
નવી માર્ગદર્શિકા મુજબ નાણાપંચની કુલ ગ્રાન્ટમાંથી ૮૦ ટકા બેઝિક ગ્રાન્ટ અને ૨૦ ટકા પરફોર્મન્સ ગ્રાન્ટ રહેશે. બેઝિક ગ્રાન્ટમાં પણ ૫૦ ટકા ટાઇડ અને ૫૦ ટકા અનટાઇડ ગ્રાન્ટની જાગવાઈ કરવામાં આવી છે.
ટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ મુખ્યત્વે સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને જળ વ્યવસ્થાપન જેવા કામો માટે કરી શકાશે. ખાસ કરીને ટાઇડ ગ્રાન્ટમાંથી ૫૦ ટકા રકમ સ્વચ્છતા સંબંધિત કામગીરી પાછળ ખર્ચવાની રહેશે. બીજી તરફ, અનટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ સ્થાનિક જરૂરિયાત મુજબ વિવિધ વિકાસલક્ષી કામો માટે કરી શકાશે. જાકે, અનટાઇડ ગ્રાન્ટમાંથી મહત્તમ ૨૦ ટકા રકમ રસ્તા સંબંધિત કામો પાછળ ખર્ચી શકાશે.
નાણાપંચની ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓના ત્રણેય સ્તરને આવરી લેવામાં આવ્યા છે. કુલ ગ્રાન્ટમાંથી ૮૦ ટકા ગ્રામ પંચાયત, ૧૦ ટકા તાલુકા પંચાયત અને ૧૦ ટકા જિલ્લા પંચાયત માટે ફાળવવામાં આવશે.
પરફોર્મન્સ ગ્રાન્ટ મેળવવા માટે ગ્રામ પંચાયતોને પોતાની આવકના †ોત વધારવા પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પોતાની આંતરિક આવકમાં સુધારો કરે અને નાણાકીય વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવે તે દિશામાં પરફોર્મન્સ ગ્રાન્ટની જાગવાઈ કરવામાં આવી છે.
ગ્રાન્ટ મેળવવા માટે ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓએ પોતાના હિસાબો તેમજ ઓડિટ થયેલા હિસાબો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાના રહેશે. નાણાકીય પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે આ શરતને મહત્વ આપવામાં આવ્યું છે.
ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ હેઠળ ચોક્કસ વિકાસ કામો હાથ ધરતા પહેલાં ગ્રામસભામાં ઠરાવ કરવો જરૂરી રહેશે. ગ્રામસભાના ઠરાવ બાદ જ સંબંધિત કામ માટે ગ્રાન્ટ મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નવી માર્ગદર્શિકા મુજબ ગ્રામ પંચાયત અનટાઇડ ગ્રાન્ટમાંથી પગાર અથવા મહેકમ સંબંધિત ખર્ચ કરી શકશે નહીં. ગ્રાન્ટનો ઉપયોગ વિકાસલક્ષી અને મંજૂર થયેલા કામો માટે જ કરવાનો રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા હેઠળ ૧૬મા નાણાપંચની ગ્રાન્ટના અમલીકરણ, ઉપયોગ, પારદર્શિતા અને મોનિટરિંગ માટેની વ્યવસ્થા વધુ સુવ્યવÂસ્થત કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી, કચરા વ્યવસ્થાપન અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસને આ ગ્રાન્ટથી વેગ મળવાની અપેક્ષા છે.











































