ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૬માં સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૫૫ ગામોમાં જળસંચયનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અમરેલી જિલ્લાના સૌથી વધુ ૨૩૪ ગામોમાં વિરાટ જળ સ્ટ્રક્ચરોનું નિર્માણ થઈ રહ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે યોજાયેલા ભવ્ય જળ સંમેલનમાં આ કાર્યનો પાયો નાખવામાં આવ્યો હતો.ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક ધારાસભ્યો તેમજ જેટકો અને પીજીવીસીએલના સહયોગથી કુકાવાવના જંગર ગામેથી ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત,જનજાગૃતિ અર્થે ડા. કુમાર વિશ્વાસની ‘જલકથા’નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યથી ભૂગર્ભ જળ સ્તર ૪૦ થી ૬૦ ફૂટ ઊંચા આવ્યા છે. પરિણામે ખેતીની આવકમાં ૩૫ થી ૪૦ ટકાનો વધારો થયો છે અને ગ્રામીણ સ્થળાંતરમાં ૭૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.