સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. નગરા ગામ નજીક આવેલા વોંકળાના પાણીમાં નહાવા પડેલા ચાર પરપ્રાંતીય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચારેયના કરુણ મોત નીપજ્યા છે. આ કાળજા કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક ચારેય યુવકો મૂળ રાજસ્થાનના વતની હતા અને નગરા ગામ નજીક આવેલી સોલાર કંપનીમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, મૃતક તમામ યુવાનોની ઉંમર આશરે ૨૫ વર્ષની હતી. જેમાં મહેશ જાટ, મોહન જાટ, શિવરામ જાટ અને કુશવાહ જાટનો સમાવેશ થાય છે. આ યુવકો વોંકળામાં નહાવા માટે ગયા હતા, તે દરમિયાન પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ચારેય યુવકો એક પછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહમત બાદ ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા,એએસપી વૈદિક બિહાની તેમજ પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોÂસ્પટલ ખાતે દોડી ગયા હતા.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ હોસ્પિટલ ખાતે પહોંચીને મૃતક પરપ્રાંતીય મજૂર યુવાનોના શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. આ દુઃખદ ઘડીમાં પરિવારજનોને મદદરૂપ થવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ મૃતકોના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના વતન રાજસ્થાન મોકલવા માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.










































