ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરી એક વખત જળસંકટના વાદળો ઘેરાયા છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકારના દ્વાર ખખડાવ્યા છે અને તાત્કાલિક નર્મદાનું પાણી ફાળવવાની માંગ કરી છે.
ચોમાસા શરૂ થાય તે પહેલાં રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા હતા. જાકે, ચોમાસું ખેંચાતા અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ડેમોમાં પાણીની આવક ઘટી છે. પરિણામે હવે રાજકોટ સામે ફરી પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે રાજકોટને પાણી પૂરું પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું મનાઈ રહ્યું છે. જા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો રાજકોટમાં પાણીના પ્રશ્નને લઈને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
રાજકોટના મહત્વના જળસ્ત્રોત એવા આજી-૧ ડેમમાં હાલ ૨૨.૨૩ ફૂટ પાણી ભરેલું છે. ડેમમાં આશરે ૪૬૪.૨ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
બીજી તરફ, ન્યારી-૧ ડેમમાં હાલ ૧૬.૨૦ ફૂટ પાણી ભરેલું છે. અહીં આશરે ૪૭૩.૦૨ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસું ખેંચાતા અને ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે મનપાએ રાજ્ય સરકાર પાસે નર્મદાનું પાણી આપવા માંગ કરી છે.
હવે રાજકોટની નજર વરસાદ પર છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને ડેમોમાં પાણીની આવક વધે તો જળસંકટનું જાખમ ઘટી શકે છે. અન્યથા સપ્ટેમ્બર બાદ રાજકોટમાં પાણીની વ્યવસ્થાને લઈને મનપા સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.









































