મોરબી જિલ્લામાં ખાનગી કંપનીઓની ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોની જમીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાનની સરખામણીએ તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. સરકારી પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવેલા વળતરને પણ ખેડૂતો અસ્વીકાર્ય ગણાવી રહ્યા છે અને વધુ યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.
આ મુદ્દે મોરબીના આદરણા ખાતે ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને ટ્રાન્સમિશન લાઇન તથા વીજપોલના વળતર મુદ્દે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જમીનનો ઉપયોગ ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ માટે થઈ રહ્યો હોય તો અસરગ્રસ્ત ખેડૂતોના હિતોનું પણ યોગ્ય રીતે રક્ષણ થવું જાઈએ.
વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલને હવે રાજકીય સ્વરૂપ પણ ધારણ કર્યું છે. મોરબી પંથકના ૫૦થી વધુ ગામોમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આ બેનરો મારફતે સરકાર તથા શાસક પક્ષ સામે પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
ખેડૂતોએ આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ મોટો નિર્ણય જાહેર કર્યો છે. જા તેમની વળતરની માંગનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોના આ નિર્ણયથી મોરબીના રાજકીય માહોલમાં પણ ચર્ચા તેજ બની છે.
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ગુજરાત સત્યાગ્રહ છાવણીના આંદોલનને હવે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને ચૌધરી યુદ્ધવીરસિંહ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લેવાના છે. બંને નેતાઓ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજાનારી જાહેરસભાને સંબોધિત કરશે.
રાષ્ટ્રીય સ્તરના ખેડૂત નેતાઓની હાજરીને કારણે મોરબીનું આંદોલન આગામી દિવસોમાં વધુ વ્યાપક બને તેવી શક્યતા છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે. હવે સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.










































