૨૯ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનો પાવન અવસર સમગ્ર દેશમાં ઉજવાયો. તક્ષશીલા, નાલંદા, કાશી, વિક્રમશીલા, વલભી જેવી વિદ્યાપીઠોમાં આપણા ઋષિઓ અથવા ગુરુ વિદ્યાર્થીઓને કેળવતા હતા.કેળવણીનું મુખ્ય કાર્ય કેળવવાનું છે. ૬૪ પ્રકારની વિદ્યાઓ પ્રદાન કરવામાં આવતી હતી. પહેલો ગુરુ માતા, બીજો ગુરુ પિતા અને તૃતીય ગુરુઓ આપણા શિક્ષકો હતા. તૈત્તરીય ઉપનિષદમાં શિષ્યોના દીક્ષાંત સમારંભમાં ગુરુ પોતાના શિષ્યો પાસે વચન લેતા હતા. શિષ્યએ પોતાના ગુરુને ત્રણ વચન આપવા પડતા હતા. માતા અને પિતાની યાજ્ઞાનું પાલન કરીશ તેમજ ગુરુનું ગૌરવ સમગ્ર જીવન દરમિયાન કેળવીશ અને જાળવીશ. વચન પ્રમાણે શિષ્યો તે પ્રમાણે સમાજ જીવનમાં જીવી બતાવતા હતા.ગુરુકુળમાંથી નીકળેલો વિદ્યાર્થી શ્રેષ્ઠ રાજા બનતો હતો. રાજ્યની સામાજિક,આર્થિક,ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકસેવાકીય પ્રવૃતિ ગુરુની યાજ્ઞા પ્રમાણે નિભાવતો હતો.
૭૨ હજારથી વધારે ગુરુકુળ ધરાવતો આ દેશ વિશ્વની ધરોહર હતો. આ દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી,
સાંસ્કૃતિકતા,સમાનતા,સામાજિકતા અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.
પ્રાકૃતિક વ્યવસ્થા, કુદરતી સંપત્તિ અને શ્રમિક જીવન હોવાથી આ દેશની સંસ્કૃતિ ભવ્ય અને દિવ્ય હતી.
અંગ્રેજોના આગમન પછી ભારતની શિક્ષણ વ્યવસ્થામાં કુઠારાઘાત થયો. મેકોલો શિક્ષણ પધ્ધતિ અમલમાં આવી. ભારતીયોને અંગ્રેજો બનાવવાની સિસ્ટમ એક્ટિવ થઈ તેમાંથી માત્ર ક્લાર્ક નિર્માણ થયા.ભારતીય લોકોના હુન્નર અને કલાને વારંવાર નુકસાન થયું.આજે અધતન ભૌતિક સગવડ વાળી શાળાઓ અને કોલેજો નિર્માણ થઈ છે.પરંતુ વર્ગની અંદર જે રાષ્ટ્રભાવનાવાળું શિક્ષણ પ્રદાન થવું જોઈએ ત્યાં ત્રુટી દેખાય છે. માત્ર પેપર ફૂટી જવા, અમીચંદો પેદા થવા, ગદ્દારી કરવી આ બધા દૂષણો છે. આજે દેશની સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમમાંથી બહાર આવવું હોય તો શિક્ષણએ સિંહણનું ધાવણ છે. રાષ્ટ્રભાવના એજ સર્વોપરી છે. આ બાબત પાઠ્યક્રમથી માંડીને પીએચડી સુધી નિર્માણ થવી જોઈએ. ગમે તેટલી ડિગ્રીઓ હોય પરંતુ રાષ્ટ્ર માટેની નૈતિક ભાવના નિમ્ન હોય તો તેનો કોઈ અર્થ ખરો?ગમે તેટલા ગુરુપૂર્ણિમાના દિવસો ઉજવશું પરંતુ તે ગુરુઓનું સરકારમાં રહેલા નેતાઓ અને આમ જનતામાં મૂલ્ય નહીં હોય ત્યાં સુધી બધું જ નિરર્થક છે? ચાર ચોપડી ભણેલા લોકો સિસ્ટમમાં હોય પછી ક્યાંથી સુધારો આવે? શિક્ષણમાં શિક્ષણ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ ન હોય તો જ રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થા સબળ બની શકશે. સો પ્રકારના બીજા કામ (શિક્ષણ સિવાયના)આપીને વર્ગ વ્યવસ્થા કઈ રીતે ઝડબે સલાક બનાવી શકાય?
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બજેટના છ ટકા શિક્ષણ ક્ષેત્રે ફાળવવા માટે પોલીસીમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયક, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ બેઝ આનાથી શિક્ષણની ગુણવત્તા વધશે? શિક્ષકો પણ હવે પગારદારી બની ચૂક્યા છે.(બધા નહીં) જ્યાં સુધી અંતરની ભાવનાઓ બાળકના હૃદય ભાવોને જીવંત નહીં બનાવે ત્યાં સુધી બધું જ શિક્ષણ નકામું છે? ગુરુનો અર્થ થાય અંધકાળથી પ્રકાશ તરફ લઈ જવાનો છે. તેવું ખરેખર શાળાઓમાં થાય છે? ગુરુપૂર્ણિમાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ આપણા પગે પડે તે એક દિવસ માટેનો આ પર્વ નથી. બાળકોમાં એવું જ શિક્ષણ નિર્માણ કરીએ કે આવનાર ભવિષ્ય ભવ્ય અને ઉજવળ હોય. બાળકોની નૈતિક હિંમત અને રાષ્ટ્રભાવના નિર્માણ કરી આદર્શ વિદ્યાર્થી બનાવવાનું કાર્ય શિક્ષક મિત્રોએ કરવાનું છે. માત્ર વિષય વસ્તુનું શિક્ષણ આપી દેવાથી કદાચ ટકા આવશે પરંતુ આદર્શ વિદ્યાર્થી નિર્માણ કરવો હશે તો તેનામાં પડેલી સ્કિલ અને કૌશલ્ય નિર્માણ કરવી પડશે.
મહર્ષિ વેદવ્યાસથી શરૂ થયેલી આ ગુરુપરંપરા આજે ડિજિટલ યુગ સુધી પહોંચી છે.વેદવ્યાસજીએ આપણને અક્ષરજ્ઞાન અને ગ્રંથો આપ્યા, જ્યારે આજના યુગે આપણને ગ્લોબલ ઇન્ફર્મેશન આપી. પરંતુ બંનેનો મૂળ હેતુ તો એક જ છે.માણસને શ્રેષ્ઠ બનાવવો.ગુરુ એ કોઈ સ્થૂળ શરીર નથી, પણ એક ‘તત્વ’ છે. જે તમારામાંથી નકારાત્મકતા દૂર કરે, જે તમને પડ્યા પછી ફરી ઊભા થવાની તાકાત આપે જે તમારા વિચારોને ધાર આપે અને તમારા આત્માને જગાડે એ બધું જ ગુરુ કરી શકે છે. તે માતા-પિતા હોઈ શકે, શાળાના શિક્ષક હોઈ શકે, જીવનનો કડવો-મીઠો અનુભવ હોઈ શકે, કે પછી ઈન્ટરનેટનો કોઈ અદ્ભુત સ્રોત હોઈ શકે.
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે ચાલો આપણે એ દરેક વ્યક્તિ, દરેક માધ્યમ અને દરેક અનુભવનો આભાર માનીએ જેણે આપણને ગઈકાલ કરતાં આજે થોડા વધુ સમજદાર બનાવ્યા છે.કંઠી બાંધવી કે ન બાંધવી એ બૌદ્ધિક પસંદગી હોઈ શકે છે, પણ શીખવાની વૃત્તિ ખુલ્લી રાખવી એ જીવનનો સાચો ધર્મ છે. જ્યાંથી પણ સત્ત, સત્ય અને સમર્પણનો પ્રકાશ મળેએ પ્રકાશને જીલી લેવો એ જ સાચી ગુરુવંદના છે.સૌ ગુરુતત્વો અને માર્ગદર્શકોને ગુરુપૂર્ણિમાની હાર્દિક વંદના!
જ્યાં સુધી અંતર આત્માનો પોકાર બાળકના હૃદય સુધી પહોંચવાની તીવ્રતા નિર્માણ નહીં કરે ત્યાં સુધી બધી જ
ગુરુપૂર્ણિમા માત્ર દિવસ પૂર્તિ રહેશે. સૌ વાચક વર્ગને ગુરુપૂર્ણિમાના વંદન. એક શિક્ષકનો આત્મા કેવો હોય તે ગુરુપૂર્ણિમાના આચરણ અને આદર્શમાંથી જોવા મળશે. સૌને શિશવંદના કરીને દંડવત સાથે વંદન કરું છું. મારા રાજ્યના શિક્ષકો શ્રેષ્ઠ કાર્યો થકી જ વર્ગને ઉજાગર બનાવશે તેવી આશા સેવું છું. વિદ્યાર્થી દેવો ભવઃ ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨









































