રાજુલા ખાતે જાયન્ટ્સ પરિવાર દ્વારા બિપીનભાઈ લહેરીની અધ્યક્ષતામાં ‘બરખા બહાર’ શીર્ષક હેઠળ ફિલ્મ સંગીત, પ્રવૃત્તિ અહેવાલ અને નવા હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સર્વાનુમતે જાયન્ટ્સ-રાજુલાના પ્રમુખ તરીકે શશિભાઈ રાજ્યગુરુ, ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ વાળા, મહામંત્રી તરીકે પ્રવીણભાઈ જાની અને સહમંત્રી તરીકે મહેશભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી, જેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. દીપકભાઈ ત્રિવેદી અને લોકસાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલાએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે નવા પ્રમુખે સમાજઉપયોગી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન દિવંગત સદસ્યોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી અને કલાકારો દ્વારા સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ મહેતાએ તથા આભારવિધિ પ્રવીણભાઈ જાનીએ કરી હતી.







































