બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે એક મોટો ચુકાદો આપ્યો, જેમાં ૨૦૧૩ના જાતીય શોષણના કેસમાં તહેલકા મેગેઝિનના સ્થાપક તરુણ તેજપાલને દોષિત ઠેરવવામાં આવ્યા. હાઈકોર્ટે તરુણ તેજપાલને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે અને ?૫ લાખનો દંડ ફટકાર્યો છે. તરુણ તેજપાલ જાતીય શોષણ કેસની તપાસ અધિકારી ગોવા પોલીસ અધિકારી સુનિતા સાવંતે જણાવ્યું હતું કે તેજપાલને આત્મસમર્પણ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, તરુણ તેજપાલે કોર્ટના નિર્ણય બાદ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે.
તરુણ તેજપાલે ૨૦૧૩ના જાતીય શોષણ કેસમાં તેમને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવાના હાઈકોર્ટના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ, તહલકા મેગેઝિનના સ્થાપક તરુણ તેજપાલે કહ્યું, “અમે આ ચુકાદાથી ખૂબ જ નિરાશ છીએ. અમારું માનવું છે કે કેસમાં પુરાવાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. અમારું માનવું છે કે મારી નિર્દોષતા સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. અમે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. હું રાજકીય ષડયંત્રનો ભોગ બન્યો છું. આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે.”અગાઉ, કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ, તરુણ તેજપાલે કહ્યું હતું કે, “અમે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું. તેઓ રાજકીય બદલો લેવા અને તહેલકાના કાર્યને કારણે મારી પાછળ છે. અમે ૭.૫ વર્ષ સુધી ટ્રાયલ કોર્ટમાં કેસ લડ્યા અને નિર્દોષ જાહેર થયા. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી બદલો લેવા માટે મારી પાછળ છે. મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે એવા ન્યાયાધીશો હશે જે સત્ય જાશે. અમે બધા સમક્ષ પુરાવા રજૂ કરીશું.”ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ તરુણ તેજપાલને કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર એક નિવેદન જારી કર્યું. સીએમ સાવંતે કહ્યું, “તરુણ તેજપાલ કેસમાં બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચ દ્વારા આજે આપેલો નિર્ણય ન્યાયનો વિજય છે. આ ઘટના ગોવામાં બની હોવાથી, ગોવા પોલીસ અને સરકારની જવાબદારી હતી કે તેઓ કેસ પર સતત દેખરેખ રાખે. અમારી સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી આગળ ધપાવ્યો, અને આજે ચુકાદો આપવામાં આવ્યો છે.”








































