ઉના દલિત અત્યાચાર કેસમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કાનૂની લડત શરૂ થઈ છે. વર્ષ ૨૦૧૬માં સમગ્ર દેશને હચમચાવી દેનારા ઉના દલિત અત્યાચાર કેસમાં વેરાવળની સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને પીડિત પક્ષે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ કેસમાં ૪૦ આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી, જેમાંથી માત્ર ૫ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે ૩૫ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૧૬માં ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક ચાર દલિત યુવકોને ગાયના મૃતદેહની ચામડી ઉતારવાના મુદ્દે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. યુવકોને વાહન સાથે બાંધીને માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. આ કેસમાં સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને કુલ ૪૧ લોકો સામે આરોપપત્ર દાખલ કર્યું હતું. લાંબી કાનૂની કાર્યવાહી બાદ માર્ચ ૨૦૨૬માં વેરાવળની સેશન્સ કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જાકે, બાકીના ૩૫ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.અરજદારના વકીલ મેઘા જાનીએ જણાવ્યું હતું કે, પીડિત પક્ષ નીચલી અદાલતના ચુકાદાથી સંતોષી નથી અને નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓ અંગે હાઇકોર્ટ સમક્ષ પુરાવા તથા કાયદાકીય મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. કેસમાં પીડિતોને મળતા કાયદાકીય અધિકારો અને તેમની કોર્ટ કાર્યવાહીમાં અસરકારક ભાગીદારીનો મુદ્દો પણ મહત્વનો રહેશે.ઉના કેસમાં પીડિતના કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવાના અધિકાર અંગે અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય આપી ચૂકી છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદાની કલમ ૧૫-એ હેઠળ પીડિતને માત્ર લેખિત રજૂઆત સુધી મર્યાદિત રાખી શકાય નહીં અને તેને મૌખિક દલીલો કરવાનો પણ અધિકાર છે. આથી હવે નીચલી અદાલતના ચુકાદા સામે દાખલ થયેલી અપીલમાં હાઇકોર્ટ સમક્ષ પુરાવાઓનું ફરી મૂલ્યાંકન, આરોપીઓની નિર્દોષ છૂટ સામેની દલીલો અને પીડિત પક્ષની કાયદાકીય રજૂઆતો મહત્વપૂર્ણ બની રહેશે.ઉના દલિત અત્યાચાર કેસને હવે દસ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે, પરંતુ પીડિત પરિવારની ન્યાય માટેની કાનૂની લડત હજુ પૂર્ણ થઈ નથી. સેશન્સ કોર્ટના ચુકાદા બાદ હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.