એક હતા સમોસાભાઈ! એકદમ ગરમાગરમ, કડક-કડક, તીખા-તમતમતા અને ત્રણ મજાના ખૂણાવાળા! સમોસાભાઈને પોતાની તીખાશ અને કડકાઈનું બહુ ઘમંડ! તે રોજ નાસ્તાની પ્લેટમાં કૂદાકૂદ કરે, પોતાની છાતી ફુલાવે અને મોટેથી ગાવા લાગેઃ
“હું છું સમોસો તીખો-તમતમતો!
મોંમાંથી બોલાવી દઉં સીઈઈઈ…!”
એક વાટકીમાં લાલ-લાલ મીઠી ચટણીબેન શાંતિથી બેઠાં હતાં. લાલ-લાલ, ગળી-ગળી અને એકદમ નરમ-નરમ! સમોસાભાઈએ ચટણીબેન સામે જોયું, પોતાના કાન ખંજવાળ્યા, એક ખૂણો ઊંચો કર્યો અને ખડખડાટ હસીને બોલ્યા, “એય ચટણી! તું તો સાવ ગળી-ગળી અને ઢીલીઢસ છે! તારામાં કોઈ તાકાત જ નથી. ચાલ, મારી સાથે ધમાચકડીની રમત રમીશ? જોઈએ આપણા બેમાંથી કોણ વધારે જીતે છે!”
ચટણીબેન તો ગળ્યું-ગળ્યું હસ્યાં, પોતાના બે હાથ જોડ્‌યા અને બોલ્યાં, “ના રે ના સમોસાભાઈ! આપણે તો પાક્કા ભાઈબંધી વાળા, ધમાચકડી ને લડાઈ થોડી કરાય? આપણે તો સાથે મળીને પ્લેટમાં શોભીએ!”
પણ ઘમંડી સમોસાભાઈ કાંઈ માને ખરા? એ તો ‘ઢિશુમ-ઢિશુમ’ કરતા વાટકીના કિનારે ચડી ગયા, એક-બે-ત્રણ ગણ્યા અને માર્યો ગબડતો કૂદકો – ‘છપાઆઆક…!’ સમોસાભાઈ તો સીધા મીઠી ચટણીની વાટકીમાં અંદર!
સમોસાભાઈએ વિચાર્યું કે તે ચટણીને ભગાડી દેશે. તે તો અંદર જઈને હાથ-પગ પછાડવા લાગ્યા અને ‘સરરર… સરરરપ’ કરવા લાગ્યા. પણ આ શું? મીઠી ચટણીબેને તો ગુસ્સે થવાને બદલે સમોસાભાઈની ચારેબાજુ ચોંટી ગયાં.
ચટણીબેન તો સમોસાભાઈના ત્રણેય ખૂણા પર ચોંટી ગયાં! સમોસાભાઈ બહાર નીકળવા ગયા, પણ અરે બાપ રે! એમનો કડક-કડક કુરકુરતો કોટ પણ સાવ પોચો-પોચો થઈ ગયો! એમની બધી તીખાશ ગાયબ થઈ ગઈ અને એ તો સાવ ગળ્યા-ગળ્યા થઈ ગયા!
એટલામાં પિન્ટુ દોડતો-દોડતો આવ્યો. એણે ચટણીમાં બોળેલું સમોસું જોયું. એની આંખો ચમકી! – ‘વાહ! સમોસું! આજે તો સમોસું ખાવાની મજા પડશે!’ એણે તો ખુશ થઈને મોટું બચકું ભર્યું – ‘ચપ… ચપ… ચપ…!’ “વાહ! મીઠી ચટણી અને સમોસાની જોડી તો એકદમ સુપરહિટ છે! વાહ ચટણીબેન, તમે તો તીખા સમોસાભાઈને પણ ગળ્યા-મીઠા અને મજેદાર બનાવી દીધા!”
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭