કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે બે મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે ?૩.૧૫ લાખ કરોડની નાણાકીય જાગવાઈને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ દેશમાં ફ્લોટિંગ સોલર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે.સરકારે આગામી પાંચ વર્ષ માટે પીએમ-કિસાન યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. યોજના માટે ૩.૧૫ લાખ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતાઓમાં ૪.૪૭ લાખ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ યોજનાના વિસ્તરણથી ખેડૂતોનું રોકાણ વધશે, કૃષિ ઉત્પાદકતામાં સુધારો થશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.કેબિનેટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપી છે. આ યોજના માટે કુલ ૫,૦૭૦ કરોડની બજેટ જાગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ દેશમાં ૫,૦૦૦ મેગાવોટ ફ્લોટિંગ સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સ વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટ્સ ઓછામાં ઓછા ૧૦,૦૦૦ મેગાવોટ કલાકની ક્ષમતા ધરાવતી ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે હશે. સ્વચ્છ ઉર્જા ઉત્પાદન અને ઉર્જા સંગ્રહ ક્ષમતા વધારવા માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.






































