ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સાદરા અને અલુવા ગામને જાડતા સાબરમતી નદી પર આશરે ૮૯ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નવા બ્રિજના લોકાર્પણના માત્ર ૪૮ કલાકમાં જ એપ્રોચ રોડ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદ બાદ રોડનો એક ભાગ ધસી જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ બંને જાવા મળ્યા છે.
આ બ્રિજનું ૨૧ જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓનલાઈન ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર હાજર રહી કાર્યક્રમમાં જોડાયા હતા. નવા બ્રિજથી બંને ગામો વચ્ચેનું જાડાણ સરળ બનતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ થોડા જ દિવસોમાં એપ્રોચ રોડને થયેલા નુકસાનથી અનેક પ્રશ્નો ઉભા થયા છે.
૨૩ જુલાઈએ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે બ્રિજના અલુવા તરફના એપ્રોચ રોડની માટી બેસી ગઈ હતી. જેના કારણે રોડનો એક ભાગ નીચે ધસી ગયો અને ત્યાં મોટું ગાબડું સર્જાયું. ઘટનાના ફોટા અને વીડિયો સામે આવતા સ્થાનિકોએ કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે.
ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ઇજનેરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એપ્રોચ રોડ પર વાહન વ્યવહારને અસ્થાયી રીતે વન-વે કરવામાં આવ્યો છે. સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અકસ્માત સર્જાય નહીં.
પુલના સુપરવાઈઝરે જણાવ્યું કે એપ્રોચ રોડ પર નવી માટી ભરવામાં આવી હતી અને સતત વરસાદને કારણે તેમાં પાણી ઉતરતાં માટી બેસી ગઈ હતી. હાલ ગાબડામાં માટી ભરીને પ્રાથમિક સમારકામ કરવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ રોડનું કાયમી સમારકામ હાથ ધરવામાં આવશે.