અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વ્યક્તિગત અદાવતને પગલે ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવકની પત્ની વર્ષો પહેલાં તેના મિત્ર સાથે ઘર છોડીને જતાં બંને વચ્ચે દુશ્મની શરૂ થઈ હતી. આ જ અદાવતના કારણે આરોપીએ યુવક પર ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો જાવેદખાન પઠાણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન તે જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેની પત્ની તેના જ મિત્ર મુજાહિદ્દ સાકીરઅલી નાઈ સાથે જતી રહી હતી. ત્યારથી બંને વચ્ચે સતત અદાવત ચાલી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અગાઉ બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા. જાકે વિવાદનો અંત આવ્યો નહોતો. આરોપી દ્વારા અગાઉ પણ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઘટનાના દિવસે વહેલી સવારે જાવેદ પોતાના ભાઈ સાથે ઘર બહાર બેઠો હતો. તે દરમિયાન આરોપી પોતાના સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. ગોળી જાવેદના હાથમાં વાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે.