નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિની કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લામાં થયેલા નુકસાન અને રાહત-બચાવ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.સમીક્ષા બાદ નવસારી જિલ્લામાં પૂર અને વરસાદી આફતને કારણે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પૂરપીડિતોને ૬૮૦૦ રૂપિયાની રોકડ સહાય ચૂકવવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. જેથી અસરગ્રસ્ત પરિવારોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે.
પૂરમાં પશુધન ગુમાવનારા લોકોને પણ સહાય આપવામાં આવશે. સી.આર. પાટીલે ગાય અને ભેંસના નુકસાન માટે ૩૭ હજાર રૂપિયાની સહાય ચૂકવવા સૂચના આપી છે.જ્યારે બકરી જેવા નાના પશુઓના નુકસાન માટે ૨૨ હજાર રૂપિયાની સહાય ચૂકવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવસારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂરગ્રસ્તો માટે સુરતની જેમ વિશેષ રાહત પેકેજ આપવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.તંત્ર દ્વારા હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકો સુધી ઝડપથી મદદ પહોંચે તે માટે રાહત કામગીરીને વધુ ગતિ આપવામાં આવી રહી છે.
પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જરૂરી સહાય, ખોરાક, આરોગ્ય સુવિધા અને અન્ય જરૂરી વ્યવસ્થા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે.કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અધિકારીઓને સૂચના આપી છે કે અસરગ્રસ્ત લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરકારની તમામ સહાય ઝડપથી પહોંચાડવામાં આવે.











































