અમરેલીથી અમદાવાદ તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસને લાઠી-અમરેલી હાઇવે પર અકસ્માત નડ્યો હતો. ટોડા ગામ નજીક બનેલી આ ઘટનામાં ચાલુ બસે ડ્રાઇવરની અચાનક તબિયત લથડતા તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી.
સદનસીબે બસ રોડ કિનારે આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈને અટકી ગઈ હતી. થાંભલો વચ્ચે આવી જતા બસ પલટી મારતા બચી હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
મળતી માહિતી મુજબ, ૨૫ જુલાઈના રોજ સવારે અંદાજે ૯ઃ૩૦ વાગ્યે અમરેલીથી અમદાવાદ જવા માટે એસટી બસ રવાના થઈ હતી. બસ ઈશ્વરીયા ગામ નજીકથી પસાર થઈ લાઠી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરની તબિયત બગડી હતી.ડ્રાઇવરની સ્થિતિ ખરાબ થતાં બસ પરનો કાબૂ જતો રહ્યો હતો અને બસ જમણી તરફ રોડ પરથી નીચે ઉતરીને ખાડામાં ખાબકી હતી. જોકે, રસ્તાની બાજુમાં આવેલો વીજ થાંભલો બસ વચ્ચે આવી જતા બસ વધુ આગળ જતી અટકી ગઈ હતી.
અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુસાફર શૈલેષભાઈએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈશ્વરીયા ગામથી આગળ નીકળ્યા બાદ અચાનક ડ્રાઇવરની તબિયત બગડી હતી. ત્યારબાદ બસ જમણી બાજુ ઉતરીને ખાડામાં પડી ગઈ હતી.તેમણે જણાવ્યું કે, સદનસીબે વીજળીનો થાંભલો વચ્ચે આવી જતા બસ પલટી ખાતા બચી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના બાદ સ્થાનિક લોકો અને બસમાં રહેલા મુસાફરોએ મદદ કરી હતી. તબિયત ખરાબ થયેલા બસ ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. મોટી દુર્ઘટના ટળી જતા મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.











































