બગસરામાં સરકારી દવાખાનુ અદ્યતન બનાવ્યા બાદ તત્કાલિન આરોગ્ય મંત્રીના હસ્તે સરકારી દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. લોકાર્પણ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા થોડા મહિનાઓમાં જ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. જો કે શહેરના માયકાંગલા નેતાઓને કારણે દવાખાનાનાં લોકાર્પણને એક વર્ષ જેટલો સમય વિતી ગયા બાદ પણ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં ન આવતા શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બગસરામાં તત્કાલિક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ. લોકાર્પણ સમયે આવેલા આરોગ્ય મંત્રીએ થોડા મહિનાઓમાં જ ડાયાલીસીસ સેન્ટર ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ એક વર્ષ વીતિ ગયા બાદ પણ દવાખાનામાં ડાયાલીસીસ સેન્ટર ન ખુલતા સામાજિક સંસ્થાઓ દ્વારા આંદોલનની ચિમકી આપવામાં આવી હતી જો કે સંસ્થાના આગેવાનો જ પાણીમાં બેસી જતા રાજકિય આગેવાનોને મોકળુ મેદાન મળી ગયુ હતુ અને હજુ સુધી પણ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં ન આવતા શહેરીજનો અને દર્દીઓમાં માયકાંગલી નેતાગીરી સામે રોષ ફેલાયો છે.

આગેવાનોનું મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સાથે ફોટોસેશન

શહેરના રાજકિય આગેવાનો ધારાસભ્યની આગેવાનીમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની મુલાકાત લઈ ફોટોસેશન કરાવી સોશિયલ મીડિયામાં ચમકતા હોય છે પરંતુ શહેરના અણઉકેલ પ્રશ્ને આગેવાનો દ્વારા કોઈ નક્કર રજૂઆત કરવામાં આવતી નથી. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકી આગેવાનો માત્ર સીનસપાટા કરતા હોવાનુ લોકો રોષ સાથે જણાવી રહ્યા છે.