અમરેલી જિલ્લામાં સિઝનનો સરેરાશ ૮૩.૫૭ ટકા વરસાદ વરસી ચુક્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, અમરેલી જિલ્લામાં રાજુલામાં સૌથી વધારે અને બાબરામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.આંકડાકીય વાત કરવામાં આવે તો, રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં અમરેલીમાં ૮૫.૦૬ ટકા, બાબરામાં ૬૪.૪૪ ટકા, બગસરામાં ૭૮.૭૫ ટકા, ધારીમાં ૬૮.૧૫ ટકા, ખાંભામાં ૮૬.૧૭ ટકા, લીલીયામાં ૯૪.૩૭ ટકા, રાજુલામાં ૧૦૮.૧૪ ટકા, સાવરકુંડલામાં ૯૨.૯૬ ટકા, કુંકાવાવ-વડિયામાં ૯૦.૪૧ ટકા વરસાદ નોંધાયો હતો.રાજ્યમાં રવિવાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ ૮૮ ટકા પર પહોંચ્યો છે. કચ્છમાં ૫૭.૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૮૧ ટકા, પૂર્વ મધ્યમાં ૮૯.૧૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૮.૦૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૩.૭૧ ટકા વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ગત સપ્તાહે જાફરાબાદ, વડીયા, બાબરા, લાઠી, રાજુલા, સાવરકુંડલા સહિતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં વરસાદથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. સતત ત્રણ-ચાર દિવસ વરસાદને પગલે ખેડૂતોમાં હરખ છવાયો હતો.મેઘમહેરથી ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો.