વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામેથી પસાર થતી સુરવો નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન સામે ખાણ અને ખનીજ વિભાગે સરપ્રાઈઝ દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન કરતા એક જેસીબી અને બે ટ્રેક્ટર સહિત અંદાજે રૂ. ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા તમામ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલતી ખનીજ ચોરી સામે તંત્રની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ-ખનીજ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આગામી દિવસોમાં પણ સતત અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.