અમરેલી જિલ્લામાં લાઠી, લીલીયા, સાવરકુંડલા, જાફરાબાદ અને ધારી સહિતના વિવિધ પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ તબક્કામાં પાક માટે વરસાદની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે ખેતરોમાં પાણીની આવક થતાં પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.લાઠી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમય સુધી પડેલા વરસાદને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. લાઠી તાલુકાના દામનગર, ઠાંસા, દુધાળા અને અકાળા સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક થતાં જળસ્તરમાં વધારો થયો હતો. સતત બે દિવસના વરસાદથી પંથકના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સાવરકુંડલા શહેર અને ઘોબા, પીપરડી તેમજ મોટા ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાતાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોટા ભમોદરા ગામ નજીક પાણીના પ્રવાહથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદથી કપાસ અને મગફળીના પાકને ભારે ફાયદો થતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. લીલીયા પંથકમાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. લીલીયાના એક્લેરા, નાના રાજકોટ, હાથીગઢ, સાજણટીબા, પીપળવાઘણીયા અને પૂજાપાદર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પણ પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જાફરાબાદ પંથકમાં વરસાદી ઝાપટાં વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર ઉપરાંત મીતીયાળા, બાબરકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. અચાનક વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોને પણ રાહત મળી હતી.અમરેલી તાલુકાના દેવળીયા સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સારો વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વડિયા શહેર તેમજ આસપાસના ગામડાઓમાં પણ મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. ધારીના ફતેગઢ ગામે પણ જારદાર વરસાદ વરસ્યો હતો. કુંકાવાવ-વડીયાના ગ્રામીણય વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જયારે અમરેલી તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ચોમાસાના અંતિમ તબક્કામાં પડેલા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.









































