લીલીયામાં લગ્નના મનદુઃખમાં યુવક પર છરીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.પ્રથમ પક્ષે અજયભાઇ કાળુભાઇ ચારોલીયા (ઉ.વ. ૨૩)એ રાહુલ રમેશભાઇ વાઘેલા, પરેશ રમેશભાઇ વાઘેલા, કીશન વીકુભાઇ વાઘેલા, ભીમો વીકુભાઇ વાઘેલા તથા આશીષ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્ન આરોપીઓના કુટુંબની બહેન સાથે થયા હતા. આરોપીઓ આ લગ્નથી નારાજ હતા અને તેમને આ લગ્ન સંબંધ પસંદ નહોતો. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડની કુહાડીના ઘા માર્યા હતા તેમજ છરી વડે ઇજા પહોંચાડી હતી. તમામ આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામે પક્ષે ભીમભાઇ વીકુભાઇ વાઘેલા (ઉ.વ.૨૨)એ અજય કાળુભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના કાકાની દીકરી અરુણાબેન ચીનુભાઇ વાઘેલાના લગ્ન આરોપી સાથે તેમના કુટુંબની મરજી વિરુધ્ધ થયા હતા. આરોપી તેમના કુટુંબના માણસોને જ્યાં મળે ત્યાં ચીડવતો હતો. તેણે કાકાના દીકરા રોહિત ચીનુભાઇ વાઘેલાને વગર વાંકે ગાળો આપી બે-ત્રણ ઝાપટો મારી હતી. જેથી તેઓ તથા સાહેદો ઠપકો આપવા જતા આરોપીને સારું નહોતું લાગ્યું અને તેમને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી છૂટા પથ્થરના ઘા કર્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.









































