કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘આપ કી પુંજી આપ કા અધિકાર’ ઝુંબેશને એક વર્ષ પૂરું થઈ ગયું છે, છતાં હજુ પણ ગુજરાતની જાહેર, ખાનગી અને સહકારી બેંકોમાં ૭૮,૬૨,૬૧૯ એકાઉન્ટ અને ડિપોઝિટ ખાતાઓમાં રૂ. ૨,૮૩૭.૮૧ કરોડની રકમ બિનવારસી પડી છે. રાજ્યના નાગરિકોની આ કરોડો રૂપિયાની રકમ લાંબા સમયથી બેંકોમાં લાવારિસ હાલતમાં પડી રહી છે, જેને પરત મેળવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ રૂ. ૪૮૯.૮૫ કરોડની બિનવારસ દાવા થાપણ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સુરતમાં રૂ. ૨૯૪.૪૭ કરોડ, વડોદરામાં રૂ. ૨૬૫.૮૭ કરોડ, નવસારીમાં રૂ. ૧૭૭.૦૪ કરોડ અને રાજકોટમાં રૂ. ૧૩૬.૨૦ કરોડની રકમ બિનવારસી હોવાનું સામે આવ્યું છે. ગત ઓગસ્ટ-૨૦૨૨થી તા. ૩૦ જૂન-૨૦૨૫ સુધીના સમયગાળામાં કુલ ૭૬,૨૬૫ ખાતાધારકોનો પત્તો મેળવીને કુલ રૂ. ૨૭.૩૦ કરોડના દાવા સફળતાપૂર્વક સેટલ કરવામાં આવ્યા છે અને હિસાબ પૂર્ણ કરાયો છે.
ગુજરાત સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીની તાજેતરની બેઠકમાં આ બિનવારસી થાપણોના મુદ્દા પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા દ્વારા પણ અનક્લેઈમ બેંક એકાઉન્ટ્સ સક્રિય કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તમામ બેંકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. નાણા મંત્રાલયના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે પણ બેંકોના ટોચના મેનેજમેન્ટ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બિનવારસી રકમ વધવા પાછળ જૂની બંધ અથવા પુનર્ગઠિત સરકારી યોજનાઓના ખાતા, સરકારી વિભાગો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ તેમજ સુવ્યવસ્થિત મોનિટરિંગ મિકેનિઝમનો અભાવ હોવાનું કારણ જાણવા મળ્યું છે. બેંકો દ્વારા સમયાંતરે ગ્રાહકોને જાગૃત કરીને આ રકમ સાચા હક્કદારો સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.










































