કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે જૈવિક ખાતર, જૈવિક કીટનાશક તથા કમ્પોસ્ટના ઉત્પાદન અંગે યોજાયેલી પાંચ દિવસીય વ્યવસાયલક્ષી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. તાલીમનો હેતુ ગ્રામ્ય યુવાનોને જૈવિક ઉત્પાદનોના ઉત્પાદન અંગે વ્યવહારુ જ્ઞાન આપી સ્વરોજગાર અને ગૃહઉદ્યોગ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમ દરમિયાન જૈવિક ખેતીનું મહત્વ જૈવિક ખાતર-કીટનાશકનું ઉત્પાદન, કમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિઓ તેમજ સ્ટાર્ટઅપ અંગે માર્ગદર્શન અપાયું હતું. લીમડા સહિત વનસ્પતિજન્ય કીટનાશક બનાવવાની પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને વેરાવળની મહાકાળી કોકોનટ નર્સરીની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી. વેરાવળ તાલુકાના ૩૦ યુવાનોને તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સમાપન પ્રસંગે જિતેન્દ્રસિંહ અને રમેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.








































