જાફરાબાદમાં માછલીના વેપારના બહાને ઓનલાઇન સાયબર ક્રાઇમ આચરી એક વેપારી પાસેથી રૂ. ૪૫,૦૦૦ પડાવી લેવાની ઘટના સામે આવી છે. માછલી મોકલવાના નામે વિશ્વાસ કેળવી અજાણ્યા ગઠિયાઓએ આ છેતરપિંડી આચરી હતી, જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ અંગે નરેશભાઈ રાજાભાઈ બારૈયા (ઉ.વ.૬૨)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા બે મોબાઈલ નંબરો પરથી તેમને ફોન આવ્યા હતા. ફોન કરનારા શખ્સોએ પોતે માછલીના મોટા વેપારી હોવાની ઓળખ આપી સસ્તા ભાવે માછલી વેચવાની વાત કરી હતી. વેપારીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ વોટ્‌સએપ પર માછલીઓના ફોટા મોકલ્યા હતા અને ત્યારબાદ ‘તમારી માછલી ભરેલી પેટીઓ નીકળી ગઈ છે’ તેમ કહી માલ રવાના થઈ ગયો હોવાનો ખોટો દાવો કર્યો હતો.ત્યારબાદ ગઠિયાઓએ વેપારી પાસે તેમના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ. ૪૫,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મેળવી લીધા બાદ પણ માલ ન પહોંચતાં વેપારીએ ઉઘરાણી કરી હતી. તે સમયે આરોપીઓએ ગોળ-ગોળ વાતો કરી રૂપિયા પરત ચૂકવી દીધા હોવાનો એક બનાવટી સ્ક્રીનશોટ મોકલી સમય પસાર કર્યો હતો.પોતાની સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં તેમણે બંને મોબાઈલ નંબર ધારકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આર. જી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.