સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ગાધકડા બેઠકના અપક્ષ સભ્ય રાજેશ્રીબેન બાલસિંગભાઈ બોરિચાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે. ગત એપ્રિલ-૨૦૨૬ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બનેલા રાજેશ્રીબેને પીએમ મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કરીને ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. તેમના આ સમર્થનથી ૨૨ બેઠકોવાળી સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ભાજપનું સભ્યબળ વધીને હવે ૧૭ થયું છે, જેનાથી પક્ષ વધુ મજબૂત બન્યો છે. અપક્ષ સભ્યના આ નિર્ણયને સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, એપીએમસી ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મહિડા, ઉપપ્રમુખ બાવચંદભાઈ ચોડવડીયા, કારોબારી ચેરમેન વિલાસબેન ચાવડા તથા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા સહિતના અગ્રણીઓએ આવકારીને પક્ષ માટે ખુશી વ્યક્ત કરી છે.










































